જામનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં અવાવરુ જગ્યામાંથી પોલીસે 278 નંગ દારૂના ચપલા કબ્જે કરી શખ્સની શોધખોળ આરંભી હતી. જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા મકાનમાંથી પોલીસે 85 બોટલ દારૂ કબ્જે કરી શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા પાસેથી બાઈક પર પસાર શખ્સને 43 બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના ગાયત્રીનગર શેરી નંબર-3 ના છેડે નંદનપાર્કમાં રહેતાં જીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાયજાદા નામના શખ્સના મકાનની પાછળ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.41,700 ની કિંમતના 278 નંગ દારૂના ચપલા મળી આવતા પોલીસે જીતેન્દ્રસિંહની શોધખોળ આરંભી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં શંકરટેકરી સિધ્ધાર્થ કોલોની શેરી નંબર-23 માં રહેતાં રાજેશ ઉર્ફે આદિ જેન્તી ઝાલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન મકાનમાં રૂા.8500 ની કિંમતની 85 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે રાજેશ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
ત્રીજો દરોડો, જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા સર્કલ પાસેથી પસાર થતા છગન દિવાન વસુનીયા નામના બાઈકસવારને જોડિયા પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.21,500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 43 બોટલ મળી આવતા પોલીસે રૂા.20000 નું બાઈક અને રૂા.5000 ની કિંમતનો મોબાઇલ તથા રૂા.250 ની રોકડ મળી કુલ રૂા.46,750 નો મુદ્દામાલ કબ્જે કરી છગનની ધરપકડ કરી હતી.
ચોથો દરોડો, જામનગર જિલ્લાના સીંગચ ગામમાંથી મેઘપર પોલીસે ધર્મેન્દ્રસિંહ કનુભા જાડેજા અને નરપાલસિંહ ઉર્ફે જયપાલ સજુભા જાડેજા નામના બે શખ્સોને આંતરીને તલાસી લેતા તેમના કબ્જામાંથી રૂા.4000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની આઠ બોટલ મળી આવતા પોલીસે દારૂના જથ્થા સાથે બંને શખ્સોની પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો સીંગચના પ્રકાશ ઢચા નામના શખ્સે સપ્લાય કર્યાની કેફિયત આપતા પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.