Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરસુરતની જેમ જામનગર મહાપાલિકા પણ બનાવશે પાર્કિંગ પોલીસી

સુરતની જેમ જામનગર મહાપાલિકા પણ બનાવશે પાર્કિંગ પોલીસી

સરકારની સુચના બાદ સ્થાયી સમિતિએ પોલીસી બનાવવા આપી મંજૂરી


- Advertisement -

રાજયના અન્ય શહેરોની જેમ જામનગર શહેરમાં પણ ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાના નિવારણ માટે જામનગર મહાપાલિકા દ્વારા પાર્કિંગ પોલીસી અને તેના નિયમો તૈયાર કરવામાં આવશે.પાર્કિંગ પોલીસીનો ડ્રાફટ તૈયાર કરવા માટે સ્થાયી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

રાજયના મહાનગરોમાં ટ્રાફિક અને પાર્કિંગની ગંભીર સમસ્યાના નિવારણ માટે રાજયસરકાર ગંભીર બની છે. સરકારે તમામ મહાપાલિકાઓને પાર્કિંગ પોલીસી તૈયાર કરી અને તેની અમલવારી કરવા માટે તાકિદ કરી છે. જેને અનુસંધાને જામનગર મહાપાલિકાએ પણ પાર્કિંગ પોલીસી તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. ગુરૂવારે યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં મ્યુ.કમિશનર દ્વારા આ અંગે વિધિવધ દરખાસ્ત કરવામાં આવી હતી. જેને મંજૂરી આપવામાં આવી છે.નવી પાર્કિંગ પોલીસી અંતર્ગત શહેરના જુદા-જુદા માર્ગો પર પાર્કિંગ વ્યવસ્થા ઉપરાંત ઓન સ્ટ્રીટ અને ઓફ સ્ટ્રીટ પાર્કિંગ જેમાં ટુ-વ્હિલર, ફોર-વ્હિલર, થ્રી-વ્હિલર વાહનો માટે અલગ-અલગ રોડની પહોળાઇ પ્રમાણે પાર્કિંગ સ્થાનો નક્કી કરવામાં આવશે. આ પાર્કિંગ પોલીસી તૈયાર કરવા બાદ તેને જાહેર જનતા સમક્ષ રજૂ કરી વાંધા સુચનો માંગવામાં આવશે. ત્યારબાદ પોલીસી અંગે ઠરાવ કરીને, અંતિમ મંજૂરી માટે રાજયના શહેરવિકાસ વિભાગને મોકલી આપવામાં આવશે. જયાંથી મંજૂર થયા બાદ આ પોલીસીનો શહેરમાં અમલ કરવામાં આવશે.

તાજેતરમાં સુરત મહાપાલિકાએ પોતાની નવી પાર્કિંગ પોલીસી જાહેર કરી તેનું પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું. જેનાથી રાજયસરકાર પ્રભાવિત થઇ હતી અને આ પોલીસીનો રાજયભરના શહેરોમાં અમલ થાય તે માટે સુચના આપી હતી. જેના અનુસંધાને તમામ મહાનગરોને આગામી ત્રણ મહિનામાં પોત પોતાની પોલીસી તૈયાર કરી રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.

ચેરમેન મનિષ કટારિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સ્થાયી સમીતિની આ બેઠકમાં શહેરમાં જુદાં-જુદાં 1.22 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી. તેમજ તાજેતરમાં શહેરમાં ઉભી થયેલી પૂરની પરિસ્થિતિમાં સારી કામગીરી કરનાર નાગરિકો, સેવાભાવી સંસ્થાઓ, તેમજ જામ્યુકોની ટીમને પદાધિકારીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, ડેપ્યૂ.મેયર તપન પરમાર, કમિશનર વિજયકુમાર ખરાડી, ડિએમસી વસ્તાણી, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular