જોડિયા તાલુકામાં પીજીવીસીએલ દ્વારા સમારકામના નામે ગઇકાલે લાદવામાં આવેલા વિજકાપથી રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. દિવસે તો ઠીક રાત્રીના પણ વિજપુરવઠો બંધ રહેતાં વિજ પુરવઠાના અભાવ અને આકરી ગરમીથી લોકો પરેશાન થયા હતાં અને આ અંગે ધ્રોલમાં રજૂઆત કરવા જતાં યોગ્ય ઉત્તર ન આવતાં લોકોએ ગાંધીનગર ઓનલાઇન રજુઆત કરી હતી અને વિજતંત્રનો હુરિયો બોલાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.
જોડિયા વીજ તંત્ર દ્વારા વીજ લાઈન ના સમારકામ ના નામે સ્થાનિક વીજ તંત્ર દ્વારા ગામને બાનમાં રાખ્યું હતું. નવરાત્રીની છેલ્લી રાત્રે વરસાદના વિઘ્ન સાથે ગામની ચોરા શેરી ગરબી મંડળ દ્વારા પ્રતિવર્ષની પરંપરા મુજબ ઈશ્વર વિવાહના કાર્યક્રમનુ આયોજન કરાયું હતું. જોડિયા વીજ તંત્ર દ્વારા રવિવારે સવાર થી બપોર સુધી વીજ લાઈનના સમારકામ માટે તાલુકા કેસિયા પાસે આવેલ 66 કે.જી.વીજ સબટેશનથી વીજ પુરવઠા પર કાપ મુકયો હતો. ત્યારબાદ સાંજ સુધી 4થી 5 વખતના સમયગાળામાં જોડિયાનું વીજ તંત્ર દ્વારા ગામ માટે વીજ પુરવઠોનું ચાલું-બંધની રમત ચાલું રાખી હતી. હદ તો ત્યારે થઈ રાતના 7 વાગ્યેથી મધ્ય રાત્રે સુધી કેશિયાના 66.કે જી. સબટેશનથી વીજ પુરવઠો બંધ કરીને અંધકારનો ત્રાસ આપ્યો હતો. જેના કારણે ગામ લોકોમાં જોડિયા વીજ તંત્ર સામે રોષ જોવા મળ્યો અને ચોરા-શેરી ગરબી મંડળના આયોજકો મધ્યરાત્રિએ જોડિયા વીજ કચેરી જઈને હલ્લાબોલનો કાર્યક્રમ યોજીને રોષ વ્યક્ત કર્યો હતો.
હજી સરકારી ચોપડે ચોમાસાની વિદાયની નોંધ નથી. છતાં જોડિયાના મોટાભાગના અધિકારીઓ હેડક્વાર્ટર મુકીને રાતવાસો શહેરોમાં જતાં રહે છે. ગઈકાલે રાત્રે પણ જોડિયાના વીજ તંત્રના નાયબ કાર્યપાલક ઈજનેર પણ વીજ કચેરીમાં હાજર ન હતાં. જોડિયા નિવાસી અને જામનગર જિલ્લા બક્ષીપંચના પુર્વમંત્રી હાર્દિક લીંબાણી દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેર જે રાત્રિએ ધ્રોલના પોતાના નિવાસમાં ટેલીફોનીક દ્વારા સંપર્ક દરમ્યાન ઉગ્ર રજૂઆત અનુસંધાને અધિકારીનુ વલણ દાદાગીરી જેવુ વર્તન હોય, અંતે ગાંધીનગરના ઓનલાઇનમાં રજુઆત કરાઇ હતી. તે દરમ્યાન લોકો દ્વારા વીજ તંત્રનો હુરિયો બોલાવ્યો હતો.