ઓખા નજીકના દરિયામાં ચાલતી ફેરી બોટ સર્વિસ માટે તંત્ર દ્વારા જરૂરી નિયમોની અમલવારી કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમ છતાં પણ કેટલાક બોટના સંચાલકો દ્વારા આ નિયમોની અમલવારી કરવા સામે કસૂરવાન થતાં જી.એમ.બી. દ્વારા આકરું વલણ અખત્યાર કરવામાં આવ્યું છે.
તાજેતરમાં જુદી જુદી આઠ ફેરી બોટના લાયસન્સ મોકૂફ કરી, દંડ ફટકારાયા બાદ ગુજરાત મેરી ટાઈમ બોર્ડના અધિકારીઓ દ્વારા અવિરત રીતે કરવામાં આવેલી ચેકિંગ કાર્યવાહીમાં જુદી જુદી સાત બોટોના સંચાલકો દ્વારા ટિકિટ વગર મુસાફરોનું વહન કરવા તેમજ મુસાફરોના વહન દરમિયાન સુરક્ષાના સાધનો બોટમાં ઉપલબ્ધ ન હોવાના કારણસર સાત બોટના લાયસન્સ એક સપ્તાહ માટે મોકુફ કરવામાં આવ્યા છે. આટલું જ નહીં, ફીસરીઝ લાયસન્સની શરતોનો ભંગ કરવા બદલ પ્રત્યેક આસામીને રૂપિયા 500-500 નો દંડ પણ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.