વ્રજ મંદિરોમાં કાન્હાના આગમનની તૈયારી શરૂ થઈ ગઈ છે. શ્રાવણની રિમઝિમ વચ્ચે મથુરાના દ્વારકાધીશ, ગોકુળ, બરસાના, ગોવર્ધન સહિતના વ્રજમંડળનાં અન્ય મંદિરોમાં હિંડોળા સજાવી દેવાયા છે. વૃંદાવનનાં મંદિરોમાં પણ ઠાકુરજીના સ્વાગત અને તેમને ઝૂલા ઝૂલાવવાની આતુરતા દેખાઈ રહી છે.
બુધવારે હરિયાળી ત્રીજના અવસરે બાંકેબિહારી મંદિરમાં સોના-ચાંદીથી બનેલા હિંડોળામાં ઠાકુરજી ભક્તોને દર્શન આપશે. આ સાથે વ્રજભૂમિમાં હિંડોળા ઉત્સવની તૈયારી શરૂ થઈ જશે. એવી માન્યતા છે કે રિમઝિમ ફુવારા અને અત્તરથી મહેકતા માહોલમાં ઠાકુરજી અનેકવાર રાધારાણી તો ક્યારેક સખીઓ અને ક્યારેક એકલા હિંડોળામાં ઝૂલવાનો આનંદ લે છે.
ભક્તગણ પણ તેમની મનમોહક છબિનાં દર્શન કરીને પોતાને ધન્ય સમજે છે. શ્રાવણ માસ આવતા જ મંદિરોમાં ઠાકુરજીના હિંડોળા તૈયાર થઈ જાય છે. આખો મહિનો તેમાં રોજ અલગ અલગ આકર્ષક ઝાંકીઓ સજાવાય છે. હિંડોળાને અલગ અલગ દિવસે ફળ, ફૂલ, મેવા, મોતી, પવિત્રા, લતા-પાન, જરી, મખમલ, રાખડીઓ, રોશની, ચુંદડી અને આસોપાલવથી સજાવાય છે.
તેમાં કાલી ઘટાના દર્શન મુખ્ય હોય છે. તેમાં ઘનઘોર વાદળો, વરસાદ અને વીજળીનો માહોલ બનાવાય છે. હિંડોળા સજાવટ પાછળનો ભાવ એ છે કે માતા યશોદા હિંડોળા એટલા માટે બદલે છે, જેથી રોજ નવા હિંડોળા મળવાથી તેમનો લાલો ખુશી ખુશી તેમાં બેસી જાય અને તેઓ કાન્હાને સૂવાડીને પોતાનું કામ કરી શકે. એવું કહેવાય છે કે, વ્રજમાં હિંડોળાની પરંપરા પુષ્ટિમાર્ગ સંપ્રદાયથી શરૂ થઈ હતી. બાદમાં વૈષ્ણવ સંપ્રદાયના વિવિધ ફાંટાઓએ પણ તે અપનાવી.
વ્રજ કળા અને સંસ્કૃતિના નિષ્ણાત ડો. ભગવાન મકરંદ કહે છે કે પુષ્ટિમાર્ગમાં શ્રીકૃષ્ણ બાળ સ્વરૂપમાં પૂજાયા હતા એટલે શ્રાવણમાં તમામ મંદિરોમાં બાળકૃષ્ણને ઝૂલાવવા માટે હિંડોળામાં રખાય છે. બાંકેબિહારી મંદિર તંત્રના મતે, સ્થાનિક અને બહારના લોકો કોરોના ગાઈડલાઈનનું પાલન કરીને દર્શન કરી શકશે. હરિયાળી ત્રીજે મંદિરોમાં સવારે 7થી બપોરે 12 વાગ્યાથી અને સાંજે 4થી રાત્રે 12 વાગ્યા સુધી દર્શન થઈ શકશે. ઠાકુરજી હિંડોળા પર સવારે 11 વાગ્યે બિરાજશે.
બાંકેબિહારી મંદિરના હિંડોળામાં આશરે 1000 તોલા સોનું, 2000 તોલા ચાંદી અને રત્ન જડેલા છે. તેની કિંમત રૂ. 6.16 કરોડ છે. મંદિરના મેનેજર મુનીશ શર્માએ કહ્યું કે તેને 1946માં સેઠ હરગુલાલ બેરીવાલે બનાવડાવ્યું હતું. બનારસના કારીગર લલ્લુએ આખું વર્ષ નકશીકામ કરીને સોના-ચાંદીની પરતથી 30 બાય 40 ફૂટના સોનાથી આ હિંડોળા સજાવ્યા છે. ઠાકુરજીને રેશમ અને સોના-ચાંદીના વર્કવાળો લીલા રંગનો પોષાક પહેરાવાયો છે. 15 ઓગસ્ટ, 1947એ ઠાકુરજી પહેલીવાર હિંડોળામાં બિરાજ્યા હતા ત્યારથી આ પરંપરા નિભાવાય છે. હિંડોળા પાછળ જગમોહનમાં ઠાકુરજી માટે સેજ સજાવાય છે, જેના પર શૃંગાર પટારો રખાય છે કારણ કે હિંડોળાની હવાથી તેમનો શૃંગાર ખરાબ થવાની શક્યતા રહે છે.
સજીધજીને હિંડોળામાં બેઠેલાં બાંકેબિહારીના દર્શન અંગે જાણો…
આવતીકાલે ઉતરભારતમાં હરિયાળી ત્રીજ, સૌ ભકતો કાન્હામય