જામનગર શહેરના રામેશ્ર્વર નગરમાં રહેતા શખ્સના મકાનમાંથી એલસીબીની ટીમે રેઇડ દરમિયાન ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે શખ્સને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી. જામનગરના વામ્બે આવાસમાં રહેતા શખ્સના મકાનમાંથી દારૂની બોટલો મળી આવતાં પોલીસે શખ્સની શોધખોળ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના રામેશ્ર્વર નગર ગુલાબવાડી વિસ્તારમાં રહેતા શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે એલસીબી પીઆઇ કે.જી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફે રેઇડ દરમિયાન દુષ્યંતસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા નામના શખ્સના મકાનની તલાશી લેતા તેમાંથી રૂા.10,000ની કિંમતની દારૂની 25 બોટલો મળી આવતા દુષ્યંતસિંહની ધરપકડ કરી ગુન્હો નોંધી વધુ પુછપરછ હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર શહેરના વામ્બે આવાસ બ્લોક નં.21 રૂમ નં.7માં રહેતા વિજય હમીરભા માણેક નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની જાણના આધારે સીટી સી ડિવિઝન સ્ટાફે રેઇડ દરમિયાન મકાનમાં તલાશી લેતાં રૂા.2000ની કિંમતની દારૂની 4 બોટલો મળી આવતા કબજે કરી નાશી ગયેલા વિજયની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
તેમજ જામનગરમાં વામ્બે આવાસ પાસેના માર્ગ પરથી પસાર થતાં રામદે પરબત માડમ નામના શખ્સને આંતરીને તલાશી લેતાં તેના કબજામાંથી રૂા.500ની કિંમતની દારૂની એક બોટલ મળી આવતા રામદેની પુછપરછ હાથ ધરતાં દારૂની બોટલ વિજય માણેક પાસેથી ખરીદ્યાની કેફિયત આપી હતી તથા જામનગરમાં દિ.પ્લોટ 49 રોડ પરથી પસાર થતાં જીતુ નારણ કનખરા નામના શખ્સને આંતરીને તલાશી લેતાં તેના કબજામાંથી 500ની કિંમતની દારૂની બોટલ મળી આવતાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને જામનગર શહેરમાં ચેમ્બર કોલોની પાસેથી પસાર થતાં હરપાલસિંહ અજીતસિંહ રાઠોડ નામના શખ્સને આંતરીને તલાશી લેતાં તેના કબજામાંથી 500ની કિંમતની દારૂની બોટલ મળી આવતા કબજે કરી પોલીસ દ્વારા પુછપરછ હાથ ધરતાં આ દારૂની બોટલ દિવ્યરાજસિંહ હનુભા રાઠોડ પાસેથી ખરીદ્યાની કેફિયત આપી હતી. જેના આધારે પોલીસે દિવ્યરાજસિંહની શોધખોળ હાથ ધરી હતી.