ધ્રોલ તાલુકાના સોયલ ગામના પાટીયા નજીકથી પસાર થતી બે કારોને આંતરીને એલસીબીની ટીમે ઈંગ્લીશ દારૂની 336 બોટલો સાથે ત્રણ શખ્સોને ઝડપી લઇ રૂા.6.94 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દારૂ મંગાવનાર તથા દારૂ મોકલનાર સહિતના છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના સોયલ ગામના પાટીયા પાસેથી દારૂ ભરેલી બે કાર પસાર થવાની એલસીબીના યશપાલસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા અને યોગરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબની જીજે-10-ડીજે-2008 અને જીજે-11-એબી-3220 નંબરની બે કારને આંતરી લીધી હતી.
એલસીબીની ટીમે આંતરેલી જામનગર તથા જૂનાગઢ પાસીંગની કારની તલાસી લેતા બંને કારમાંથી રૂા.1,34,400 ની કિંમતની 336 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવતા પોલીસે રૂા.5.50 લાખની કિંમતની બે કાર અને રૂા.10 હજારની કિંમતના બે મોબાઇલ તથા દારૂનો જથ્થો મળી કુલ રૂા.6,94,400 નો મુદ્દામાલ કબ્જે કરી કારમાં વિમલ ઉર્ફે ડોડારો તુલસી પમનાણી, જીગર ઉર્ફે રવિફુશ મનસુખ નાખવા, જીતેન્દ્ર ઉર્ફે જયલો જગદીશ ચાવડા નામના જામનગરના ત્રણ શખ્સોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો જામનગરના દર્શન ભલસાણી અને પિન્ટુ ઉર્ફે બાઠીયો નામના શખ્સે કચ્છ-ભૂજના રાપર તાલુકાના બાલાસરી ગામમાં રહેતા ભગવાન ઉર્ફે હરી ભરવાડ ભનુભાઈ ભરવાડ નામના બુટલેગર પાસેથી મંગાવ્યો હોવાની કેફીયત આપતા એલસીબીની ટીમે છ શખ્સો વિરૂધ્ધ દારૂનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
તપાસ દરમિયાન વિમલ ઉર્ફે ડોડારો તુલસી પમનાણી નામના શખ્સ વિરૂધ્ધ પંચ બી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ત્રણ ગુના તેમજ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનનો એક ગુનો નોંધાયેલો છે તથા જીગર ઉર્ફે રવિફુશ મનસુખ નાખવા નામના શખ્સ વિરૂધ્ધ સીટી સી ડીવીઝનમાં પ્રોહિબીશનના બે ગુના નોંધાયેલા છે. એલસીબીની ટીમે ગુનાહિત ઈતિહાસ ધરાવતા બુટલેગરોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.