ગત ડિસેમ્બર મહિનામાં ભાટીયાના કૃષ્ણનગર વિસ્તારમાંથી એક બંધ મકાનમાંથી 9500 રોકડ તેમજ 13 ચાંદીના સિક્કાની ચોરી થયેલ તેમજ થોડા સમય બાદ તેજ વિસ્તારના એક મકાનમાંથી 2 તેલના ડબ્બા તેમજ ત્રણ ચા ના પેકેટની ચોરી થયેલ જેની ફરિયાદ પોલીસ ચોકીએ નોંધવામાં આવી હતી. હાલ ભાટીયામાં કાયદો વ્યવસ્થા કથળેલી હાલતમાં જોવા મળે છે. ત્યારે ભાટીયાની બે ચોરીનો ભેદ ભાટીયા પોલીસને ઊંઘતી રાખી એલસીબી ઉકેલી નાખ્યો હતો.
કલ્યાણપુર તાલુકાના ભાટિયા તથા ખંભાળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમય દરમિયાન ચોરીના બનાવો નોંધાયા હતા. જેથી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સુચના મુજબ જિલ્લા એલસીબી તથા સીસીટીવી કમાન્ડ કંટ્રોલ રૂમ તેમજ ચોરીના આસપાસના વિસ્તારોમાં બે ડઝન જેટલા લોકેશન પર રહેલા સીસીટીવી કેમેરાનો ડેટાબેઝ તૈયાર કરી આ ચોરીના બનાવોમાં સંડોવાયેલા શખ્સોની માહિતી એકત્ર કરવામાં આવી હતી. જેમાં અવાર-જવર કરતા ચોક્કસ વાહનના નંબર પરથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગુનાશોધક શાખાના એએસઆઈ ભરત ચાવડા, હેડ કોન્સ્ટેબલ મશરી ભારવાડીયા, બોઘાભાઈ સરિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામના પાટિયા પાસેથી યોગેશ રામશંકર આરંભડીયા (ઉ.વ. 38, રહે. પોરબંદર, મુળ રહે-ભાટીયા), ઓસમાણ આમદ ઉઠાર (ઉ.વ.35, રહે. પોરબંદર) અને વિશાલ પ્રવીણભાઈ સામાણી (ઉ.વ.21, રહે. પોરબંદર) નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. ઝડપાયેલા શખ્સોની આગવી ઢબે પુછપરછ કરવામાં આવતા આ શખ્સો દ્વારા ભાટિયા તેમજ ખંભાળિયામાં કરવામાં આવેલી ત્રણ ચોરીઓની કબુલાત આપી હતી. આ શખ્સો પાસેથી પોલીસે ચાર નંગ ટીવી, એક મોટરસાયકલ, સેટઅપ બોક્સ, લોખંડના પાઈપ, ત્રણ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂા.85,410 નો મુદ્દામાલ કબજે લીધો હતો.
આ તસ્કર ત્રિપુટી પૈકી યોગેશ આરંભડિયા તથા ઓસમાણ ઉઠાર દ્વારા ગત જાન્યુઆરી માસમાં ખંભાળિયામાં એક મકાનમાંથી ઘરફોડ ચોરી, ડિસેમ્બર માસમાં ભાટીયાની કૃષ્ણનગર સોસાયટીમાં ઉપરાંત જામનગર જિલ્લાના લાલપુર ખાતેના એક બંધ મકાનમાં તેમજ ભાટિયાના કૃષ્ણનગર સોસાયટીમાં અન્ય એક બંધ મકાનમાંથી તેલના ડબ્બા અને ચાના પેક્ટ વિગેરેની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું
આરોપી યોગેશ આરંભડિયા અનેક ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું તથા ચોક્કસ મોડેસ ઓપરેન્ડીથી રાત્રિના સમયમાં બંધ મકાનમાં ચોરી કરતો હોવાનું ખૂલ્યું હતું. આ તમામ શખ્સોની પોલીસે અટકાયત કરી ચોરીના અન્ય ભેદ ઉકેલવા તથા શખ્સો સાથે અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ તે દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબી પીઆઈ જે. એમ. ચાવડા, પીએસઆઈ એસ.વી. ગળચર, એએસઆઈ ભરતભાઈ ચાવડા, જયદેવસિંહ જાડેજા, વિપુલભાઈ ડાંગર, હેડ કોન્સ. મસરીભાઈ ભારવાડીયા, બોઘાભાઈ કેશરીયા, ગોવીંદભાઈ કરમુર, વિશ્ર્વદીપસિંહ જાડેજા, અરજણભાઈ આબંલીયા, મેહુલભાઇ રાઠોડ, કેતનભાઈ ખડલ, સચીનભાઈ નકુમ, એ.એસ.આઈ. નરશીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસીંહ ચુડાસમા, હસમુખભાઈ કટારા દ્વારા કરવામાં આવી હતી.