ખંભાળિયા પંથકમાં રમતા શ્રાવણી જુગાર સામે એલસીબી પોલીસે કડક હાથે કાર્યવાહી કરી, ગતરાત્રે બે સ્થળોએ જુગાર દરોડા પાડી ભાતેલ ગામેથી આઠ શખ્સોને જ્યારે હરીપર ગામેથી 15 શખ્સોને જુગારની મોજ માણતા દબોચી લીધા હતા.
એલસીબી વિભાગના એ.એસ.આઈ. સજુભા જાડેજા, જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ખંભાળિયા નજીક આવેલા હરીપર ગામે ભીમા પાચા ટોયટા નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવીને જુગારનો અખાડો ચલાવતો હોવાથી આ સ્થળે એલસીબી સ્ટાફે દરોડો પાડયો હતો.
જેમાં પોલીસે ભીમા પાચા ટોયટા, અનિલ જેંતીલાલ પોપટ, રાજેશ કાંતિલાલ લાલ, ધના બીજલભાઇ ટોયટા, દેવા ઉર્ફે ડાવા જેઠા ભાન, વિવેક જયંતીભાઈ સોનગરા આશા જેસા કારીયા, હરભમ રાયા સંઘડિયા, નિલેશ કાનજીભાઈ સોનગરા, હિરેન પરેશભાઈ બાંભવા, ભોલા બીજલભાઈ ટોયટા, સામત ઉકાભાઈ ચૌહાણ, બાબુ નાથાભાઈ બાંભવા, જેંતીલાલ લાધાભાઈ સોનગરા અને રાજેશ દેવજીભાઈ ગોકાણી નામના કુલ પંદર શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 46,910 રોકડા તથા રૂપિયા 41,500 ની કિંમતના 11 નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 88,910 નો મુદ્દામાલ કબજે કરી, કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અન્ય એક દરોડામાં એલસીબીના હેડ કોન્સ્ટેબલ બોઘાભાઈ કેસરિયા તથા મસરીભાઈ ભારવાડીયાની બાતમી પરથી ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામની સીમ ખાતે લાખા ખીમા જોગલ નામના શખ્સ દ્વારા ચલાવતા જુગારના અખાડામાં એલસીબી પોલીસે ત્રાટકી લાખા ખીમા જોગલ, કપિલસિંહ મનુભા જાડેજા, દેવા હમા વાંચા, કિશોરસિંહ ઉદયસિંહ જાડેજા, લખમણ પુના આસાતાણી, રમેશ વાલા મકવાણા, પ્રતાપ કરસન મસુરા અને રામ લખમણ આસાતાણી નામના આઠ શખ્સોને ઝડપી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 43,890 રોકડા તથા રૂપિયા 26,000 ની કિંમતના 7 નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા 1.15 લાખની કિંમતના પાંચ મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 1,84,890 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.