દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા શ્રાવણી જુગાર સામે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ સધન કામગીરી કરવામાં આવી હતી. જેમાં એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવેલા પેટ્રોલિંગમાં એ.એસ.આઈ. જયદેવસિંહ જાડેજા તથા પરેશભાઈ સાંજવાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ તાલુકાના મોડપર ગામની ગળધાર સીમ વિસ્તારમાં રહેતા વિક્રમ ખીમા ભારવાડીયા નામના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાની માલિકીની વાડીમાં આવેલા મકાનમાં આ શખ્સ દ્વારા વિક્રમ નારણ નંદાણીયાને સાથે રાખીને સંયુક્ત રીતે પોતાના અંગત આર્થિક ફાયદા માટે બહારથી માણસો બોલાવી અને અહીં જુગાર રમવા માટેની વિવિધ સુખ-સુવિધાઓ પૂરી પાડી અને તેના બદલામાં નાલ ઉઘરાવી ગંજીપતા વડે રમાતા જુગારના અખાડા પર દરોડો પાડવામાં આવ્યો હતો.
આ દરોડા દરમિયાન પોલીસે વિક્રમ ઉર્ફે વિકુ નારણ નંદાણીયા, આરીફ આમદ ભટ્ટી, બોદુ મુસા સમા, સાજણ જેતસી બંધીયા અને માલદે ગીગા ઓડેદરા નામના પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રૂપિયા 88,000 રોકડા તથા રૂપિયા 15,500 ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા પાંચ લાખની કિંમતને એક મોટરકાર મળી કુલ રૂપિયા 6,03,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમ્યાન વાડી માલિક વિક્રમ ખીમા ભારવાડીયા ફરાર થઈ ગયો હોવાનું જાહેર થયું છે. જે અંગે પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચર, એસ.વી. કાંબલીયા, જયદેવસિંહ જાડેજા, પરેશભાઈ સાંજવા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.