ખંભાળિયા તાલુકાના વાડીનાર વિસ્તારમાંથી બે દિવસ પૂર્વે મોબાઈલ ફોનની ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આ પ્રકરણમાં એલસીબી પોલીસે તપાસ હાથમાં લઈ અને બે શખ્સોને રૂપિયા 56,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
આ સમગ્ર પ્રકરણ અંગે ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખંભાળિયા જામનગર હાઈવે પર વાડીનાર નજીક ભરાણા ગામે એક રૂમમાં રહેતા પર પ્રાંતિય આસામીઓ દ્વારા રાખવામાં આવેલા મોબાઈલ ફોન આ રૂમનું તાળું તોડીને કોઈ તસ્કરો લઈ ગયા હોવાની ફરિયાદના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી વિભાગના પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. સજુભા જાડેજા, જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયામાં રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ચોરીના મોબાઈલ ફોન વેચવા માટે જી.જે. 10 એ.એફ. 8860 નંબરના પલ્સર મોટરસાયકલ પર બેસીને આવેલા બે શખ્સોને પોલીસે અટકાવ્યા હતા.
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા હમીદ ઉર્ફે અમુડો હારૂન સંઘાર (ઉ.વ. 26) અને કે.પી.ટી. સર્કલ પાસે રહેતા ઈરફાન ઉર્ફે ગટુડો ઈબ્રાહીમ સુંભણીયા (ઉ.વ. 20) નામના આ બંને શખ્સોની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા આ બંને શખ્સોએ મોબાઈલ ફોનની ચોરીની કબૂલાત આપી હતી. આથી પોલીસે રૂપિયા 36,000 ની કિંમતના 9 નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા 20,000 ની કિંમતનું મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 56,000 નો મુદ્દામાલ કબજે કરી, વધુ તપાસ અર્થે આ બંને શખ્સોનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, એસ.વી. ગળચર સાથે સ્ટાફના સુનિલભાઈ કાંબલીયા, સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, ભરતભાઈ ચાવડા, જેસલસિંહ જાડેજા, ડાડુભાઈ જોગલ, સહદેવસિંહ જાડેજા, સચિનભાઈ, નરસિંહભાઈ, વિશ્વદિપસિંહ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.