ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના બે શખ્સો દ્વારા સુરતના બે શખ્સો પાસેથી વિદેશી દારૂનો જથ્થો મંગાવવા માટેનું કાવતરૂં કરવામાં આવતા આ અંગેની રોકડ રકમની લેતી-દેતી તેમજ ડીલ થયા બાદ ખંભાળિયાના શખ્સના અપહરણ સહિતના ફિલ્મી દ્રશ્યો બાદ એલસીબી પોલીસે સુરતના બે તથા ખંભાળિયાના એક મળીને ત્રણ શખ્સોને રૂા.6.40 લાખની રોકડ રકમ એક મોટરકાર તથા મોબાઈલ ફોન સહિત કુલ રૂા. 13.80 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
આ સમગ્ર પ્રકરણની જાણવા મળતી વિગત મુજબ, હાલ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા સધન કાર્યવાહી તેમજ દારૂના વેચાણ સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ એલ.સી.બી. પોલીસે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી થાય તે પહેલા ત્રણ શખ્સોને ઝડપી લઇ અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહીમાં એલસીબીના પીએસઆઈ એસ.એસ ચૌહાણની ટીમ દ્વારા ખંભાળિયા શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન ખંભાળિયા તાલુકાના હંસ્થલ ગામે રહેતા દિલીપ ઉર્ફે દિલો ગોગન દેથરીયા (ઉ.વ. 31) અને કલ્યાણપુર તાલુકાના વીરપર ગામનો રાહુલ ઉર્ફે ઘુઘો ચાવડા દ્વારા સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા બે શખ્સો સાથે ફોન પર થયેલી ચર્ચા વિચારણા બાદ અહીં વિદેશી દારૂનો જથ્થો મંગાવવામાં માટે સુરત જિલ્લાના માંગરોળ તાબેના મસ્જિદ ફળિયુ વિસ્તારમાં રહેતા દિવ્યેશ અરવિંદ સોની (ઉ.વ. 31) અને માંગરોળ (સુરત)ના ખાનદાન ફળિયુ ખાતે રહેતા સોહેલ અબ્દુલ હમીદ મકરાણી (ઉ.વ. 30) નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 6,40,000 રોકડા તથા રૂપિયા 40 હજારની કિંમતના ત્રણ નંગ પર મોબાઈલ ફોન તેમજ રૂપિયા 7,00,000 ની કિંમતની એક મોટરકાર મળી કુલ રૂા.13,80,000 નો મુદ્દામાલ કરજે કર્યો હતો.
ઝડપાયેલા આરોપી દિવ્યેશ અરવિંદ સોની સામે અગાઉ સુરત, નવસારી, વાપી વિગેરે સામે સ્થળોએ દારૂ અંગેના ચાર ગુનાઓ નોંધાયા છે. આ સમગ્ર પ્રકરણમાં જુદા-જુદા બે ગુનાઓ નોંધાયા છે. અન્ય આરોપી દિલીપ ઉર્ફે દીલો દેથરીયા સામે અગાઉ રાજકોટ- સાપરમાં જુગાર અંગેનો કેસ નોંધાયો હતો.
આ ચકચારી પ્રકરણની શરૂઆત થોડા દિવસો પૂર્વે થઈ હતી. જેમાં કલ્યાણપુર તાલુકાના વીરપર – મેવાસા ગામે રહેતા રાહુલ ઉર્ફે ઘુઘો ચાવડા નામના શખ્સ દ્વારા તેમના મિત્ર એવા ખંભાળિયા તાલુકાના હંસ્થળ ગામે રહેતા અને 70 વીઘા જમીન સાથે ખેત વ્યવસાય સાથે સંકળાયેલા દિલીપ ઉર્ફે દીલો ગોગન દેથરીયા (ઉ.વ. 31) સાથે થયેલી વાતમાં રાહુલે દિલીપને જણાવ્યું હતું કે “મારી પાસે ઇંગ્લિશ દારૂની લાઇન છે. જો તું મારી સાથે ભાગમાં રહે તો તે લોકો દારૂ આપી જશે” તેમ કહેતા ગત તારીખ 15 માર્ચના રોજ નક્કી થયા મુજબ દિલીપ દેથરીયાએ પોતાના ભાગના 3.10 લાખ રૂપિયા રાખી અને ખંભાળિયા નજીક એક હોટલમાં પોતાની કારમાં પહોંચ્યા હતા. ત્યાં જી.જે. 16 ડી.કે. 2323 નંબરની કાળા કલરની એક્સ.યુ.વી. કાર આવેલ.
આ કારમાં આવેલા સુરતના માંગરોળ તાબેના મસ્જિદ ફળિયુ વિસ્તારમાં રહેતા દિવ્યેશ અરવિંદ સોની (ઉ.વ. 31) અને માંગરોળ સુરતના ખાનદાન ફળિયુ ખાતે રહેતા ગોહેલ અબ્દુલ હમીદ મકરાણી (ઉ.વ. 30) નામના બે શખ્સો આવ્યા હતા. અહીં ફરિયાદી દિલીપ દેથરીયા સાથે રહેલા રાહુલ સહિતના બે શખ્સો “દારૂ માટે હું બીજા વાહનની વ્યવસ્થા કરીને આવુ” તેમ કહીને નીકળ્યા બાદ દિવ્યેશ સોનીને રૂપિયા 6.40 લાખ આપ્યા હતા. પરંતુ દારૂ આપવાના બદલે તેઓના એક્સ.યુ.વી. વાહનમાં દિલીપ ઉર્ફે દિલો દેથરીયાને બેસાડી અને આરોપી દિવ્યેશ અને સોહેલ મકરાણીએ પોતાની ગાડી હંકારી મૂકી હતી.
તેઓએ રૂપિયા 6.40 લાખ રોકડા તેમજ ફોન પણ લઈ લીધો હતો. જે અંગેનો વિરોધ કરતા બંને આરોપીઓએ દિલીપને બિભત્સ ગાળો ભાંડી, માર માર્યો હતો. આ સ્થળેથી અપહરણ કરી ગયા બાદ આરોપીઓએ તેને ખંભાળિયા નજીક આવેલી કણજાર ચોકડી પાસે ફેંકી દઈ અને મોબાઈલ ફોન પણ ફેંકી, પૈસા લઈને નાસી છૂટ્યા હતા.
આ પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે દિલીપ ઉર્ફે દિલો ગોગન દેથરીયાની ફરિયાદ પરથી સુરતના દિવ્યેશ અરવિંદ સોની અને સોહેલ અબ્દુલ મકરાણી સામે આઈપીસી કલમ 365, 406 420 તથા 114 મુજબ ગુનો નોંધ્યો છે.
આ પ્રકરણમાં વધુ થયેલી કાર્યવાહીમાં એલસીબી પોલીસ દ્વારા ગત તારીખ 15 મીના રોજ રાત્રે હાથ ધરવામાં આવેલા રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન અહીંના પોલીસ કંટ્રોલરૂમમાં આવેલા કોલ મુજબ પોરબંદર તરફથી ખંભાળિયા તરફ આવી રહેલી જીજે-16-ડીકે-2323 નંબરની એક્સ.યુ.વી. મોટરકારને અહીંના ગંગાજમના ત્રણ રસ્તા પર આવતા અટકાવીને રાત્રિના આશરે સવા બાર વાગ્યાના સમયે કારમાં જઈ રહેલા આરોપી દિવ્યેશ અરવિંદ સોની (ઉ.વ. 31) અને સોહેલ અબ્દુલ (ઉ.વ. 30) નામના બે શખ્સોને અટકાવી પૂછપરછ કરતા આરોપી રાહુલ ઉર્ફે ઘુઘો ચાવડાએ ઈન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવ્યા બાદ એકબીજાના ફોન નંબરની આપ-લેમાંથી ઇંગ્લિશ દારૂ મંગાવવાનું નક્કી થતાં આ બંને શખ્સો એક્સ.યુ.વી. કાર મારફતે ખંભાળિયા-દ્વારકા હાઇવે પર વડત્રા ગામની બાજુમાં આવેલી એક હોટલ પાસે આરોપી રાહુલ ઉર્ફે ઘુઘો અને દિલીપ ઉર્ફે દિલો દેથરીયા સાથે તારીખ 15 ના રોજ રાત્રે 9 થી 10 વચ્ચે હેરાફેરીનો પ્લાન તેમજ પૈસાની લેતી-દેતી બાબતે ભેગા થયા હતા. આ પછી સુરતથી આવેલા બંને આરોપીઓએ દિલીપ દેથરીયાને કારમાં બેસાડી, તેની પાસેથી પૈસા પડાવી લઈ જઈને તેઓને ઇંગલિશ દારૂ નહીં આપ્યો હોવાની બાબત પોલીસ સમક્ષ ખુલવા પામી હતી.
આ અંગે આરોપીઓ વચ્ચેની વોટ્સએપ ચેટ પણ પોલીસના ધ્યાને આવી હતી. આ પ્રકરણમાં એલ.સી.બી.ના પી.એસ.આઈ. એસ.એસ. ચૌહાણની ફરિયાદ પરથી તમામ ચાર આરોપીઓ સામે અહીંના પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 7 લાખની કિંમતની મોટરકાર, રૂ. 40,000 ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન તથા રૂપિયા 6.40 લાખ રોકડા પણ કબજે લીધા છે.
આ સમગ્ર કાર્યવાહી એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એ.એલ. બારસીયા, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, અરજણભાઈ ચંદ્રવાડીયા, વિપુલભાઈ ડાંગર, ડાડુભાઈ જોગલ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ગોવિંદભાઈ કરમુર, સચિનભાઈ નકુમ, કૃપાલસિંહ જાડેજા તથા હસમુખભાઈ કટારા દ્વારા કરવામાં આવી હતી.