ખંભાળિયા નજીક આવેલા પીર લાખાસર ગામે તાજેતરમાં એક આસામીના રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી થવા પામી હતી. જે અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તાકીદની કાર્યવાહી કરી, ગણતરીના કલાકોમાં હાલ લાલપુર તાલુકાના રહીશ એવા એક મુસ્લિમ શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો.
આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે રહેતા એક આસામીના બંધ રહેણાંક મકાનમાંથી થોડા દિવસો પૂર્વે સોના તથા ચાંદીના દાગીના ઉપરાંત રોકડ સહિત રકમ સહિતના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જેને અનુલક્ષીને એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ દ્વારા તાકીદ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પ્રકરણમાં હેડ કોન્સ્ટેબલ ડાડુભાઈ જોગલ, એ.એસ.આઈ. સજુભા જાડેજા તથા જેસલસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાલ લાલપુર તાલુકાના ઝાંખર ગામની સીમમાં રહેતા અને મૂળ પીર લાખાસર ગામના રહીશ ઉમર ઉર્ફે અબાડો આલીભાઈ દેથા નામના 40 વર્ષના મુસ્લિમ શખ્સને પોલીસે ઝડપી લઇ, તેના કબજામાંથી ચોરીની સોનાની વીંટી, સોનાનો ઓમકાર, ચાંદીની ઝાંઝરી તથા સાંકળાની જોડી, વીંટી વિગેરે ઉપરાંત રૂપિયા 1,000 રોકડા અને રૂપિયા 5,000 ની કિંમતનો મોબાઈલ ફોન તેમજ રૂ. 15,000 ની કિંમતનું એક મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 72,500 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ અર્થે આરોપીનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત આરોપી સામે ખંભાળિયા, કલ્યાણપુર, લાલપુર, જામજોધપુર અને શેઠ વડાળા પોલીસ મથકમાં ઘરફોડ ચોરી, હથિયાર ધારા સહિતના જુદા જુદા આઠ ગુનાઓ નોંધાયા હોવાનું પણ ખુલવા પામ્યું છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પીઆઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, આકાશ બારસીયા, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, સજુભા જાડેજા, અજીતભાઈ બારોટ, ડાડુભાઈ જોગલ, જેસલસિંહ જાડેજા, ગોવિંદભાઈ કરમુર, સચીનભાઈ નકુમ, પ્રકાશભાઈ ચાવડા તેમજ વિશ્વદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.