દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં મોટા આસોટા અને વીરપર ગામના બે શખ્સોને પોલીસે વિદેશી દારૂની 59 બાટલીઓ સાથે દબોચી લીધા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એ.એલ. બારસીયા અને બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા શુક્રવારે કરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. ડાડુભાઈ જોગલ, ભરતભાઈ ચાવડા, પીઠાભાઈ ગોજીયા અને પ્રવીણભાઈ માડમને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે રહેતા ભરત ઉર્ફે મોદી નારણભાઈ ચાવડા (ઉ.વ. 24) નામના શખ્સના મકાનમાં ભરત ઉર્ફે મોદી ચાવડા અને વીરપર ગામના હાર્દિક દેવવાણંદભાઈ ચાવડા (ઉ.વ. 20) દ્વારા ભાગીદારીમાં મંગાવવામાં આવેલી વિદેશી દારૂની 59 બોટલ કબજે કરી હતી.
આ પ્રકરણમાં પોલીસે 42,630 ની કિંમતના પરપ્રાંતીય શરાબ તેમજ રૂ. 10,000 ની કિંમતના બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 52,630 ના મુદ્દામાલ સાથે બંને આરોપીઓની અટકાયત કરી હતી. દારૂનો આ જથ્થો તેઓએ ભાણેજ (ગઢવી) નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત પણ આપી હતી. જે સંદર્ભે કલ્યાણપુર પોલીસે ત્રણેય શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.