જામનગર તાલુકાના સીક્કામાં બાજ અને ટગ રીપેરીંગની સાઈટ પરથી રાત્રિના સમયે દરમિયાન લોખંડની પ્લેટના ટૂકડાઓની ચોરીના બનાવમાં એલસીબીની ટીમે સીક્કાના ત્રણ શખ્સોને દબોચી લઇ તેમની પાસેથી ચોરાઉ મુદ્દામાલ અને બે લાખની કિંમતનું વાહન મળી કુલ રૂા.2.20 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કામાં શ્રીજી શિપીંગ કંપની દ્વારા બાજ અને ટગ રીપેરીંગની સાઈટ પરથી શનિવારની રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરોએ લોખંડની જૂની પ્લેટના 500 કિલો ટૂકડાઓ ચોરી કરી ગયા હતાં. આ ચોરીના બનાવની અમિતભાઈ વોરા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન એલસીબીના અશોક સોલંકી, ઘનશ્યામભાઈ ડેરવાડિયા અને પો.કો. રાકેશભાઈને મળેલી સંયુકત બાતમીના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ કે.જે. ભોયે તથા સ્ટાફે વોચ ગોઠવી ફીરોજ હુશેન ભટ્ટી, સકલીન ઓસ્માણ ભટ્ટી, રસીદ હાજી સુંભણિયા નામના ત્રણ શખ્સોને જીજે-04-ડબલ્યુ-169 નંબરના મેકસીમા વાહન સાથે આંતરીને તલાસી લેતા વાહનમાંથી રૂા.20 હજારની કિંમતની 500 કિલો લોખંડની ચોરાઉ પ્લેટ મળી આવતા એલસીબીએ 2 લાખનું વાહન અને રૂા.20 હજારની કિંમતની ચોરાઉ પ્લેટ મળી કુલ રૂા.2,20,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.