જામનગર બાર એસોસિએશનની વર્ષ 2026ના હોદેદારો માટેની ચૂંટણીમાં આજે ભારે ઉત્સાહપૂર્વક મતદાન થઇ રહ્યું છે. એક દાયકાથી ચૂંટાયેલા પ્રમુખ સામે યુવા એડવોકેટનો જંગ જોવા મળશે. આ હોદેદારોમાં ઉપપ્રમુખ અને સેક્રેટરી અને જોઇન્ટ સેક્રેટરી બિનહરીફ વિજેતા થયા હતા. આજે સવારે નવ વાગ્યાથી વકીલો દ્વારા મતદાનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જામનગર વકીલ મંડળના વર્ષ 2026ના હોદેદારોની આજે તા.19મી ડિસેમ્બરે યોજાયેલી ચુંટણીમાં 1253 મતદારો મતાધિકારનો ઉપયોગ કરીને પ્રમુખ, લાયબ્રેરી મંત્રી, ખજાનચી, મહિલા પ્રતિનિધિ અને 10 સભ્યોની કારોબારીને મત આપીને ચુંટશે. આ વખતની ચુંટણીમાં પ્રમુખપદ માટે છેલ્લા 11 વર્ષથી ચુંટાતા આવતા વર્તમાન પ્રમુખનો યુવા એડવોકેટ સાથે જંગ રહેશે. તે સિવાય ઉપપ્રમુખ, સેક્રેટરી અને જોઇનટ સેક્રેટરી અને કારોબારીના 3 મહિલા સભ્યોની વરણી બીનહરિફ થઇ ચુકી છે. બાર કાઉન્સિલના નિયમ મુજબ વકીલ મંડળમાં નવા પાંચ કેમેરા મુકાયા છે. જેની નજર સમક્ષ ચુંટણી પ્રક્રિયા થશે.
View this post on Instagram
જુની કોર્ટવાળા બિલ્ડીંગમાં વકીલ મંડળના મીટીંગ હોલ ખાતે આજે ચુંટણી કમિશ્નર કે.ડી. ચૌહાણ અને આસી. કમિશનર મિહિરભાઇ નંદા અને સહયોગી ચુંટણી અધિકારીઓની નિગરાની હેઠળ બાર કાઉન્સિલના નિયમ મુજબ કેમેરાની સાક્ષીએ 1253 મતદારો માટે બેલેટ વોટીંગની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ચુંટણીમાં પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ ભરતભાઇ સુવા અને ભરતસિંહ જાડેજા, લાયબ્રેરી મંત્રી પદ માટે જયદેવસિંહ જાડેજા અને હર્ષભાઇ પારેખ, ખજાનચી પદ માટે ચંદ્રીકાબેન ધંધુકીયા અને ચાંદનીબેન પોપટ તથા મહિલા પ્રતિનિધિની એક બેઠક માટે હર્ષિદાબેન રાઠોડ, રાધાબેન રાવલીયા અને ભાવનાબેન સોલંકી વચ્ચે ચુંટણી યોજાઇ છે.
કારોબારીની 7 બેઠકો માટે 10 ઉમેદવારો છે. જેમાં દીપકભાઇ ભલારા, રાહુલભાઇ ચૌહાણ, મિતુલભાઇ ડી. હરવરા, રઘુવીરસિંહ કંચવા, પંકજભાઇ લહેરૂ, વનરાજભાઇ મકવાણા, અમિતભાઇ જે. પરમાર, ભાવેશભાઇ સોનગ્રા, જયેશભાઇ સુરેલીયા, ખોડીયાભાઇ વાઘેલાનો સમાવેશ થાય છે. વકીલ મંડળની ચુંટણીમાં મતદાન સવારે 9-30 થી શરૂ થયેલા મતદાનમાં વકિલો દ્વારા ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે અને આ મતદાન સાંજે પ-00 વાગ્યા સુધી ચાલશે. અને ત્યાર બાદ મત ગણતરી ચાલુ થશે. ઉલ્લેખનિય છે કે, ઉપપ્રમુખ તરીકે રૂચિરભાઇ આર. રાવલ, સેક્રેટરી તરીકે મનોજભાઇ ઝવેરી અને જોઇન્ટ સેક્રેટરી તરીકે દીપકભાઇ ગચ્છર બીનહરિફ ચુંટાઇ ચુકયા છે.


