ગુજરાતમાં ગેરકાયદેસર રીતે સરકારી અને ખાનગી રીતે જમીનો પચાવી પાડનારાં ભૂમાફિયાઓ પર હવે કાયદાનો સકંજો કસાયો છે. ભૂમાફિયાઓ વિરૂધૃધ કાયદેસરની કાર્યવાહી કરવા રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ કર્યો છે. મહેસૂલ વિભાગના મતે, રાજ્યમાં 10 કરોડ ચો. મીટર આર્થાત્ 9742 હેક્ટરથી વધુ જમીન પર ભૂમાફિયાઓએ કબજો કર્યો છે.
મહેસૂલ વિભાગને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કુલ મળીને 4831 ફરિયાદો મળી છે જેના પગલે સરકારી જમીનો પચાવી પાડનારાં ભૂમાફિયાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં ભૂમાફિયાઓ સક્રિય બન્યાં છે અને જમીન પચાવી પાડવાના કિસ્સા વધી રહ્યાં છે. ગેરકાયદેસર રીતે જમીનો પચાવી પાડવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતાં રૂપાણી સરકારે લેન્ડ ગ્રેબિગ એક્ટ અમલી બનાવ્યો છે. આ કાયદાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે મહેસૂલ વિભાગે પણ ભૂમાફિયાઓ સામે લાલ આંખ કરી નિર્દોષ જમીન માલિકોને જમીન પરત મળે તે માટે સક્રિય પ્રયાસો હાથ ધર્યા છે.
સૂત્રોના મતે, રાજ્યના જુદા જુદા જિલ્લામાં લેન્ડ ગ્રેબિગ એક્ટ હેઠળ ભૂમાફિયાઓ સામે કુલ 4831 પોલીસ ફરિયાદો નોંધાઇ છે. અત્યાર સુધીમાં 96 કેસોમા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 53 કેસો સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરાયા છે.
લેન્ડ ગ્રેબિગ એક્ટ હેઠળ કરાયેલી ફરિયાદોની તપાસના અંતે 872 ભૂમાફિયાઓને દોષિત માનીને આરોપી ઠેરવવામાં આવ્યા છે.88 કેસોમાં તો રાજ્ય સરકારે સુઓમોટો હેઠળ કાર્યવાહી કરી છે. મહત્વની વાત તો એછે કે, આખાય રાજ્યમાં જમીનો પચાવી પાડવાની સૌથી વધુ ફરિયાદો અમદાવાદમાં અને સૌથી ઓછી ફરિયાદો ડાંગમાં નોધાઇ છે.
અમદાવાદમાં 457, સુરતમાં 288, રાજકાટમાં 277 , સોમનાથમાં 121, મોરબીમાં 111, દ્વારકામાં 141 , જૂનાગઢમાં 123 , ભાવનગરમાં 185 અને જામનગરમાં 135 ફરિયાદો નોંધાઇ છે. ડાગમાં જમીનો પચાવી પાડવામાં આવી હોય તેવી માત્ર 6 અરજીઓ જ મળી છે. આમ,કરોડોની કિંમતની સરકારી-ખાનગી જમીનો પર કબજો કરનારાં ભૂમાફિયાઓનું હવે આવી બન્યુ છે. રાજ્ય મહેસૂલ વિભાગે ભૂમાફિયાઓ સામે કડકહાથે કાર્યવાહી કરવાનું શરૂ કર્યુ છે.
લેન્ડગ્રેબિંગ: જામનગર જિલ્લામાં 135 અને દ્વારકામાં 141 ફરિયાદો
સમગ્ર રાજયમાં 10 કરોડ ચોરસમીટર જમીન પર માફિયાઓનો કબ્જો