લાલપુર ગામમાં રહેતાં એડવોકેટને હત્યાના પ્રયાસનો આરોપીએ કોર્ટ દ્વારા જેલ વોરંટ ભરી દેવાનો ખાર રાખી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના લાલપુરમાં રહેતા નિલેશ પ્રવિણભાઈ બોડા નામના એડવોકેટે અગાઉ નોંધાયેલા હત્યાના પ્રયાસનો આરોપીઓનું ચાર્જશીટ સબમીટ કરવાનું હોઇ જેથી આ તમામ આરોપીઓ અદાલતમાં હાજર રહ્યાં હતાં. આ આરોપીઓમાં બલદેવ સવદાસ ગોરાણીયાના ભાઈ મનોજ ઉર્ફે સંજય, કેશુ લક્ષ્મણ, રાજેશ સોમાના જામીન વખતે અદાલતે 30 દિવસમાં સોલવંસી રજૂ કરવાનો હુકમ કર્યો હતો પરંતુ આરોપીઓએ સમય મર્યાદામાં સોલવંસી અદાલતમાં રજૂ કર્યુ ન હોવાથી અદાલત દ્વારા જેલ વોરંટ ભરી આપવામાં આવ્યો હતો. આ બાબતનો ખાર રાખી જામનગર તાલુકાના સાપર ગામના બલદેવ સવદાસ ગોરાણિયા નામના શખ્સે એડવોકેટ નિલેશ પ્રવિણભાઈ બોડાને મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગેની એડવોકેટ દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડી.એસ. વાઢેર તથા સ્ટાફે ધમકીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.