કાળઝાળ ગરમી વચ્ચે દેશના અનેક રાજયોમાં વીજળીની ડિમાન્ડ વધતાં ભારે અછત અનુભવાઇ રહી છે. ઉત્પાદન માટે કોલસો પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ નથી. ત્યારે ઘણા રાજયો વીજ કટોકટીનો સામનો કરી રહયા છે. તેવામાં પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે 1 જુલાઇથી લોકોને 300 યુનિટ મફત વિજળી આપવાની જાહેરાત કરી છે. આગામી ગુજરાતની ચૂંટણીમાં પ્રભાવ પાડવા માટે પંજાબ સરકાર આ પ્રકારે ફટાફટ નિર્ણય લઇ રહી હોવાનું માનવામાં આવે છે.
વિધાનસભા ચૂંટણી વખતના વચનો પૂર્ણ કરવાનું પંજાબની ‘આપ’ સરકારે શરુ કર્યું હોય તેમ 1લી જુલાઈથી તમામ પરિવારોને 300 યુનિટ મફત વિજળી આપવાની ઘોષણા કરી છે. પંજાબની ચૂંટણીમાં 117માંથી 92 બેઠકો જીતીને રાજકીય ભૂકંપ સર્જયો હતો. ચૂંટણી ઢંઢેરામાં પાર્ટી દ્વારા અનેક વચન આપવામાં આવ્યા હતા તે પૈકી 300 યુનિટ મફત વીજળીનું મુખ્ય હતું.
હવે આપની માન સરકારે આ વચન પૂર્ણ કર્યું હોય તેમ 1લી જુલાઈથી 300 યુનિટ મફત વીજળી આપવાનું જાહેર કર્યું છે. રાજ્યના મુખ્યમંત્રી માન ત્રણ દિવસ પૂર્વે દિલ્હી ગયા હતા. મફત વીજળીના મુદ્દે અરવિંદ કેજરીવાલ સાથે બેઠક કરી હતી. અને તેમાં જ આ નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવે છે. આપ ગુજરાતની ચૂંટણીમાં પણ ઝુકાવવાનું છે એટલે તેમાં પણ પ્રભાવ પાડવા નિર્ણય વ્હેલો લેવાયાનું મનાય છે.