જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતાં બે યુવાનો બાઇક પર ધ્રોલથી પીઠડ જતાં હતાં ત્યારે હરિપર નજીક પહોંચ્યા ત્યારે બાઇકસવાર કાબુ ગુમાવતાં બાઇક રોડ પરથી નીચે ઉતરી તથા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પાછળ બેઠેલા યુવાનને ગંભીર ઇજા પહોંચતાં મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતો હિતેશ વસરામ પઢીયાર અને હર્ષદ ભાણજી દૈયા નામના બે યુવાનો હિતેશના ભાઇ જેન્તીના જીજે-10 ડીએ-9246નંબરના બાઇક પર ધ્રોલથી પીઠડ તરફ જતાં હતાં તે દરમિયાન સોમવારે સાંજના સમયે ધ્રોલ તાલુકાના હરિપર ગામ નજીક આવેલા રોડ પર પહોંચ્યા ત્યારે બાઇકસવાર હર્ષદે બાઇક પૂરઝડપે ચલાવી કાબુ ગુમાવતાં રોડ પરથી નીચે ઉતરી જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇકસવાર હર્ષદને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જ્યારે પાછળ બેેસેલા હિતેશ વસરામ પઢીયાર નામના યુવાનને કપાળના ભાગે તથા માથામાં ગંભીર ઇજા પહોંચતાં તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત અંગેની જાણ કરાતાં હેકો એચ.બી. સોઢીયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી બાઇકચાલક હર્ષદ વિરુધ્ધ મૃતકના ભાઇ જેન્તીના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.