મોદી સરકાર 1 એપ્રિલથી નવો લેબર લો લાગુ કરી શકે છે. જો આવું થશે તો તમને ખાટો મીઠો અનુભવ થશે, કારણ કે નવો કાયદો તમને કેટલાક ફાયદા અને કેટલાક ગેરફાયદા થશે. જે પ્રકારે નવા લેબર લો બનાવવામાં આવ્યા છે તે મુજબ, પ્રોવિડન્ટ ફંડમાં તમારું યોગદાન વધશે પણ પગાર હાથમાં ઓછો આવશે. આઝાદી પછી બનાવવામાં આવેલા મજૂર કાયદામાં કોઈ પણ સરકાર પહેલીવાર બદલાવ કરવા જઈ રહી છે. સમયની માંગ જોઈને સરકાર તેમને ન્યાયી ઠેરવી રહી છે. સરકારનો દાવો છે કે નવા મજૂર કાયદાએ એમ્પ્લોયર અને કર્મચારી બંનેનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
New Wage Code Bill સંસદમાંથી તો પસાર થઈ ચુક્યું છે. હવે તેના અમલીકરણ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જ્યારે નવો લેબર કાયદો અમલમાં આવશે ત્યારે તમારા પગારમાં મોટો ફેરફાર થશે. પીએફ, ગ્રેચ્યુઇટી, ડેરિનેસ એલાઉન્સ, ટ્રાવેલ એલાઉન્સ અને હાઉસ રેન્ટ એલાઉન્સના બધા આંકડા બદલાશે. નવા લેબર કાયદામાં એવી જોગવાઈ છે કે, મોંઘવારી, મુસાફરી અને ભાડા ભથ્થા સહિતના તમામ ભથ્થાં કુલ 50 ટકાથી વધુ નહીં હોય. એટલે કે, જો તમારૂં CTC 20 હજાર રૂપિયા છે, તો પછી બધા ભથ્થાં મેળવીને 10 હજાર રૂપિયાથી વધુ નહીં હોય. નવા નિયમો અનુસાર તમારા સીટીસીમાં મૂળ પગારનો હિસ્સો 50 ટકા કે તેથી વધુ હોવો જોઈએ.
જો અત્યારે તમારા પગારની વિગતોમાં મૂળ પગાર 50 ટકાથી ઓછો હોય, તો તે ટૂંક સમયમાં બદલાવા જઈ રહ્યો છે. જ્યારે નવા નિયમો લાગુ કરવામાં આવે છે ત્યારે તમારા મૂળ પગારની સાથે તમારૂ સીટીસી પણ વધી શકે છે. નવો કાયદો અમલમાં આવ્યા પછી તમારી Take Home Salary ઓછી થઈ શકે છે, કારણ કે જ્યારે મૂળ પગાર 50 ટકા સુધીનો હશે, ત્યારે તેમા 12+12= 24 ટકા ભાગ તમારા પીએફ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. સીટીસી નિયમ લાગુ થયા પછી મોટાભાગની કંપનીઓ હવે કર્મચારીઓના સીટીસીમાંથી તેમના પીએફનો ફાળો (12 ટકા) કાપી લે છે. વર્તમાન નિયમો અનુસાર, હવે તમારા મૂળ પગારનો 12 ટકા હિસ્સો પી.એફ.માં જાય છે જ્યારે મૂળ પગાર સીટીસીનો 50 ટકા થઈ જશે, ત્યારે પીએફમાં ફાળો પણ વધી જશે. 20 હજારનું સીટીસી હોવા પર 10 હજાર મૂળભૂત પગાર હશે અને તેનો 12 ટકા મતલબ કે 1200 રૂપિયા પીએફ ખાતામાં જશે. નવા લેબર કાયદામાં ગ્રેચ્યુઇટીના નવા નિયમો બનાવવામાં આવ્યા છે. હાલમા કર્મચારીઓ એક જ કંપનીમાં સતત 5 વર્ષ નોકરી કરે ત્યાર બાદ જ ગ્રેચ્યુટી મેળવવાનો હકદાર ગણાય છે, પરંતુ નવા કાયદામાં કર્મચારીઓ 1 વર્ષ નોકરી કરે તો પણ ગ્રેચ્યુટીનો હકદાર રહેશે.