ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી. જાડેજા વિરૂઘ્ધ થયેલ પાસા તળેની કાર્યવાહીના વિરોધની જવાળાઓ જામનગર સુધી પહોંચી છે. જામનગર રાજપૂત સેવા સમાજ દ્વારા આ અંગે રેલી યોજી કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અને આ પાસાની કાર્યવાહી અટકાવવા માંગણી કરી છે.
જામનગર રાજપૂત સેવા સમાજ દ્વારા પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજના સામાજીક આગેવાન એવા પી.ટી. જાડેજાને રાજકોટ પોલીસ દ્વારા તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી મામુલી ગુન્હાના આરોપમાં પાસા જેવી ભયંકર કાર્યવાહી કરી પોલીસ સત્તાનો દુરૂપયોગ કરતું હોવાનું જણાવી વધુમાં જણાવ્યું છે કે પી.ટી. જાડેજા જે મંદિરના ટ્રસ્ટી/પ્રમુખ હતાં તે મંદિરને પૂજા વ્યવસ્થામાં કેટલાક રાજકીય પીઠબળ ધરાવતા લોકો વિક્ષેપ ઉભો કરતા હતાં જેથી તેમણે મંદિરની વ્યવસ્થા જાળવી રાખવાના હેતુથી ધર્મ વિરોધી લોકોને સમજાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે ખોટી રીતે સામાન્ય આરોપો સબબ પાસા જેવા કાયદા હેઠળ ધરપકડ કરી છે. આથી આ પાસાની કાર્યવાહી અટકાવવા આવેદનપત્ર દ્વારા માંગણી કરવામાં આવી છે જો કાર્યવાહી નહીં કરાય તો ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.


