વન ડે કેપ્ટનશીપને લઇને ટીમ ઇન્ડિયામાં ચાલી રહેલી તકરાર સામે આવી છે. સાઉથ આફ્રિકા સામે રમાનારી વન-ડે સિરીઝમાંથી ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાનું નામ પાછું ખેંચ્યું છે. જો કે, આ માટે તેમણે 11 જાન્યુઆરીએ પોતાની પુત્રીના પહેલા જન્મદિવસ નિમિત્તે પરિવાર સાથે સમય પસાર કરવાનું કારણ જણાવ્યું છે. પરંતુ વાસ્તવમાં વિરાટ કોહલીને વન-ડે ટીમના કેપ્ટન પદેથી હટાવાયા બાદ તે નારાજ હોવાનું જણાઇ રહ્યું છે. હજુ ગઇકાલે જ પ્રેકટિસ સેશન દરમ્યાન ઇજા પહોંચવાને કારણે વન-ડે ટીમના કેપ્ટન બનાવાયેલા રોહિત શર્મા ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઇ ગયા છે. ત્યારે 19 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલી વન-ડે સિરીઝ પહેલાં ભારતીય ટીમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલાં કેપ્ટનશીપ અને ત્યારબાદ ઓમિક્રોન વાયરસને લઇને વિવાદમાં રહ્યો છે. આમ ભારતીય ટીમમાં કોહલી અને રોહિત વચ્ચે બધું સામાન્ય ન હોવાનું જણાઇ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સિનીયર ખેલાડીઓ દેશ માટે રમાનારા ક્રિકેટમાંથી આરામ ઇચ્છી રહયા છે. અલબત આઇપીએલ રમવા તમામ ખેલાડીઓ ઉત્સુક છે.