જામનગર શહેરના બેડી વિસ્તારમાં સાઇકલ પર જઈ રહેલા તરૂણને સાઈકલ રેસ કરવાની ના પાડતા શખ્સે છરી વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગરના બેડી ઈકબાલ ચોકમાં રહેતાં અને વેલ્ડીંગકામ કરતા કાદરભાઈ આમદભાઈ ગોરી નામના યુવાનનો તરૂણ પુત્ર હમજા ગત તા.28 ના રોજ સાંજના સમયે મચ્છીપીઠમાં જતો હતો તે દરમિયાન બેડીમાં રહેતો નવાઝ ઈબ્રાહિમ ગંઢાર તેના ઘર પાસેથી સાયકલ લઇ નિકળતા નવાઝે હમજાને સાઈકલ રેસ કરવાનું કહ્યું હતું. પરંતુ હમજાએ સાઈકલ રેસ કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા નવાઝે છરી વડે હમજા ઉપર હુમલો કર્યો હતો. છરી વડે કરાયેલા હુમલામાં ઘવાયેલા તરૂણને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવ અંગેની જાણ કરાતા હેકો જે ડી ઝાલા તથા સ્ટાફે કાદરભાઈના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.