જામનગર શહેરના રામેશ્ર્વરનગર વિસ્તારમાં સમજાવવા જતાં યુવાન ઉપર બે શખ્સોએ છરી વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યાના બનાવમાં ઘવાયેલા યુવાનને જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલા રામેશ્ર્વરનગર, માટેલ ચોકમાં રહેતો દિવ્યરાજસિંહ નવલસિંહ પરમાર નામનો યુવાન મંગળવારે મધ્યરાત્રિના સમયે રામેશ્ર્વરનગર ચોકમાં બહાદુરસિંહ ઉર્ફે લાલીયો સાહેબજી જાડેજા નામના શખ્સને સમજાવવા ગયો હતો ત્યારે હરપાલસિંહ નવલસિંહ ઝાલા નામના શખ્સે દિવ્યરાજસિંહને પકડી રાખ્યો હતો અને બહાદુરસિંહ જાડેજા એ અપશબ્દો બોલી પડખામાં છરી વડે હુમલો કર્યા બાદ ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલાના બનાવમાં ઘવાયેલા દિવ્યરાજસિંહને જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા એએસઆઈ એમ.પી. ગોરાણિયા તથા સ્ટાફે બન્ને શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.