જામનગર શહેરમાં દરબારગઢ સર્કલ નજીક આવેલી ફ્રુટની દુકાનમાં છ મહિના પહેલાં કરેલી મારામારીનો કરેલો પોલીસકેસ પરત ખેંચવા શખ્સે દુકાનમાં ઘૂસી વૃધ્ધ વેપારી ઉપર છરીનો ઘા ઝીંકી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.
બનાવ અંગેની વિગત મુજબ જામનગરના હિંમતનગર વિસ્તારમાં રહેતાં રાજપાલભાઈ બાલચંદાણી નામના વૃધ્ધ વેપારીની દરબારગઢ સર્કલ પાસે આવેલી ગીતા ફ્રૂટ નામની દુકાનમાં છ માસ પહેલાં વકાસ હુશેન ઉર્ફે સાહુ હનિફ ઉર્ફે ચુહો શેખ નામના શખ્સે વૃધ્ધ વેપારી સાથે મારામારી કરી ઝઘડો કર્યો હતો આ બનાવમાં વેપારીએ પોલીસ કેસ કર્યો હતો જે કેસ અદાલતમાં ચાલતો હતો. જેથી આરોપી વકાસ હુશેન નામના શખ્સે શનિવારે સાંજના સમયે ફરીથી વૃધ્ધ વેપારીની દુકાનમાં ઘુસી જઈ જૂનો પોલીસ કેસ પરત ખેંચવા માટે અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી છરીનો ઘા ઝીંકી નાશી ગયો હતો. વેપારી ઉપર થયેલા બીજી વખતના હુમલાના કારણે વેપારીઓમાં રોષ ફેલાઈ ગયો હતો. ઘવાયેલા વૃધ્ધ વેપારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ વી.આર.ગામેતી તથા સ્ટાફે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.