જામનગર શહેરના નાગનાથ સર્કલ પાસે સાઈડમાં કાર પાર્ક કરી ઉભેલા યુવાનને અજાણ્યા શખ્સોએ ‘અમારે ધંધો કરવો છે ગાડી લઇ નિકળી જા’ તે બાબતે બોલાચાલી કરી છરીના ઘા ઝીંકયા હતાં. સાળાને બચાવવા વચ્ચે પડેલા બનેવી ઉપર પણ છરીના ઘા ઝીંકી ધોકા વડે માર માર્યો હતો.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નાગનાથ ગેઈટ અંબાજી ચોક વિસ્તારમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા કૃષ્ણ રજનીકાંતભાઈ દાઉદીયા નામનો યુવાન રવિવારે રાત્રિના સમયે તેની ટાવેરા ગાડી લઇ ઘર તરફ જતો હતો તે દરમિયાન નાગનાથ સર્કલ પાસે આવેલી કનૈયા હોટલ નજીક પહોંચતા ટ્રાફિક હોવાથી કાર સાઈડમાં રાખી ઉભો હતો તે દરમિયાન મોઈન સચડા અને અજાણ્યા શખ્સોએ ત્યાં આવીને કૃષ્ણની કારના આગરના ભાગમાં લાતો મારતા હતાં. જેથી કૃષ્ણએ લાતો મારવાની ના પાડતા મોઈને ‘હું ભારત ચા ની હોટલમાંથી આવું છું તમે તમારી ગાડીને લઇને ફટાફટ નિકળી જાવ અમારે ધંધો ચાલુ કરવો છે’ તેમ કહેતા કૃષ્ણએ ‘ટ્રાફિક છે એટલે ગાડી ઉભી રાખી છે’તેમ જણાવતા બંને વચ્ચે બોલાચાલી થયા બાદ મોઈન તથા અજાણ્યા શખ્સે કૃષ્ણ સાથે ઝપાઝપી કરી છરીના ત્રણ ઘા ઝીંકયા હતાં. કૃષ્ણ ઉપર છરી વડે હુમલો થતા તેના બનેવી મિતેશ ચુડાસમા સાળાને બચાવવા વચ્ચે પડયા હતાં.
હુમલાખોરોએ મિતેશભાઈ ઉપર પણ છરીનો ઘા ઝીંકી ધોકા વડે માર માર્યો હતો. નજીવી બાબતે સાળા-બનેવી ઉપર કરાયેલા હુમલામાં ઘવાયેલા બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ એ એસ ચોવટ તથા સ્ટાફે કૃષ્ણના નિવેદનના આધારે મોઇન સચડા સહિતના શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.