પહેલા ઇશન કિશનની તડાફડી અને બાદમાં વિરાટ કોહલીની કેપ્ટન ઇનિંગથી બીજા ટી-20 મેચમાં ભારતનો ઇંગ્લેન્ડ વિરૂધ્ધ 7 વિકેટે ઝમકદાર વિજય થયો હતો. આ જીતથી પાંચ મેચની શ્રેણી ટીમ ઇન્ડિયાએ 1-1થી બરાબર કરી છે. શ્રેણીનો ત્રીજો મેચ અમદાવાદમાં જ મંગળવારે રમાશે. ઇશન કિશને ડેબ્યૂ મેચમાં આતશી અર્ધસદી ફટકારીને માત્ર 36 દડામાં પ ચોકકા-4 છકકાથી પ6 રન કર્યાં હતા. જયારે કપ્તાન કોહલી 49 દડામાં પ ચોકકા-3 છકકાથી આક્રમક 73 રને અણનમ રહ્યો હતો. જયારે પંત 26 રનની ઝડપી ઇનિંગ રમીને આઉટ થયો હતો. રાહુલ પહેલી ઓવરમાં જ ઝીરોમાં પાછો ફર્યોં હતો. અય્યર 8 રને નોટઆઉટ રહ્યો હતો. ભારતે ઇંગ્લેન્ડનો 6 વિકેટે 164 રનનો સ્કોર 17.પ ઓવરમાં 3 વિકેટ ગુમાવીને કરી લીધો હતો. કેપ્ટન કોહલીએ આજે તેની ટી-20 કેરિયરની 26મી અર્ધસદી ફટકારી હતી અને ટી-20માં 3000 રન પૂરા કરનારો વિશ્વનો પહેલો બેટધર બન્યો હતો.
અગાઉ આખરી પાંચ ઓવરમાં ભારતીય બોલરોની ચુસ્ત બોલિંગને લીધે ઇંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 164 રને અટકી ગઇ હતી.’ આથી ભારતને જીત માટે 16પ રનનું વિજય લક્ષ્યાંક મળ્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી ઇન ફોર્મ ઓપનર જેસન રોયે 3પ દડામાં 4 ચોકકા-2 છકકાથી 46 રન કર્યાં હતા. આ સિવાય ડેવિડ મલાને 23 દડામાં
4 ચોકકાથી 24, કેપ્ટન ઇયોન મોર્ગને 20 દડામાં 4 ચોકકાથી 28, બેન સ્ટોકસે 21 દડામાં 1 ચોકકાથી 24 અને બેયરસ્ટોએ 20 રન બનાવ્યા હતા. સ્ટાર જોસ બટલર પહેલી ઓવરમાં ભૂવનેશ્વરનો શિકાર બનીને ઝીરોમાં આઉટ થયો હતો. ભારત તરફથી સુંદરે 29 રનમાં 2 તથા શાર્દુલે 29 રનમાં 2 વિકેટ લીધી હતી. ભૂવનેશ્વર-ચહલને 1-1’ વિકેટ મળી હતી.