જામનગર શહેરના સિટી સી ડીવીઝન વિસ્તારમાં નકલી પોલીસ બનીને શહેરીજનોને ધમકાવવા અને લૂંટી લેવાની ઘટનાઓ વધી રહી છે. ચારેક માસ અગાઉ પણ આવી ઘટના બની હતી. દરમિયાન અંધાશ્રમ બ્રિજ પાસે પોલીસની ઓળખ આપી દારૂ પીધેલનો કેસ કરવા બાઈક પર બળજબરીપૂર્વક અપહરણ કરી રોકડ રકમની લૂંટના બનાવમાં સાચી પોલીસે તપાસ આદરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ચારેક માસ અગાઉ પોલીસની ઓળખ આપી મોબાઇલ લૂંટી લીધાની ઘટના બની હતી. દરમિયાન આજ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ગત તા. 08 ના રોજ બપોરના સમયે અંધાશ્રમ બ્રિજ પાસેથી મુળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના વીરપુર ગામનો વતની અને હાલ લાલપુર તાલુકાના સેતાલુસ ગામમાં રહેતો ભલાભાઈ અમરાભાઈ લાબડિયા (ઉ.વ.46) નામનો મજૂરી કામ યુવાન પસાર થતો હતો તે દરમિયાન 35 વર્ષના અને 30 વર્ષના બે શખ્સોએ યુવાન પાસે આવી તારો દારૂ પીધેલનો કેસ કરવો છે તેમ કહી બાઈક પર બળજબરીપૂર્વક અપહરણ કરી ગયો હતો અને ત્યારબાદ યુવાન પાસે રહેલી રૂા.9500 ની રોકડ રકમની લૂંટ ચલાવી હતી.
અપહરણ અને લૂંટના બનાવનો ભોગ બનેલ યુવાનએ બનાવ અંગે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પીએસઆઈ એચ.એ. પીપળિયા તથા સ્ટાફે યુવાનના નિવેદનના આધારે બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ લૂંટનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.