દેશભરમાં કોરોનાની બીજી લહેરના કારણે પરિસ્થિતિ વિકટ બની રહી છે ત્યારે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આગામી દિવસોમાં મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સૌપ્રથમ ગત 10 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ખોડલધામ મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ પરિસ્થિતિ હજુ પણ કાબુમાં ન હોવાથી 30 એપ્રિલ બાદ પણ ખોડલધામ મંદિર અનિશ્ચિત સમય સુધી બંધ જ રહેશે જેની સર્વે શ્રદ્ધાળુઓએ નોંધ લેવી.
હાલ કોરોના વાઇરસનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. ત્યારે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી કોરોના વાઇરસનું સંક્રમણ વધુ ન ફેલાયતે માટ ખોડલધામ મંદિર પરિસર શ્રદ્ધાળુઓ માટે બંધ રહેશે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા નક્કી કરાયું છે કે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ખોડલધામ મંદિર બંધ રહેશે. આમ શ્રદ્ધાળુઓ માટે ખોડલધામ મંદિરમાં માતાજીના પ્રત્યક્ષ દર્શન અનિશ્ચિત સમય સુધી બંધ રહેશે. ત્યારબાદ પરિસ્થિતિમાં સુધારો થયે અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે મંદિર ખોલવા અંગેનો નિર્ણય જે-તે સમયે લેવામાં આવશે.
શ્રદ્ધાળુઓ દરરોજ મા ખોડલના દર્શન ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઓફિશિયલ ફેસબુક પેઈજ, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરના માધ્યમથી ઘરે બેઠાં કરી શકશે. કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લોકોને કામ વગર ઘર બહાર નહીં નીકળવા અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અપીલ કરે છે.