- Advertisement -
ખંભાળિયાના ધરમપુર વિસ્તારના તલાટી મંત્રી સામે વિધાનસભામાં અહીંના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા કેટલાક આક્ષેપો બાદ તેમની અન્ય તાલુકામાં કરવામાં આવેલી બદલીના અનુસંધાને અહીંનો સતવારા સમાજ ખફા થયો હતો અને ગત સોમવારે વહીવટી તંત્રને આ મુદ્દે આવેદનપત્ર તથા સોમવાર તા. 21 ના રોજ જ્ઞાતિના 13 હોદ્દેદારોના તેમના હોદ્દા પરથી રાજીનામાની ચીમકી બાદ જિલ્લા પંચાયત વિભાગ દ્વારા આ તલાટીને પુનઃ ખંભાળિયામાં આવ્યા છે. આથી સતવારા સમાજના હોદ્દેદારો દ્વારા રાજીનામા આપવાનું આયોજન રદ કરવામાં આવ્યું છે.
ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ બની ગયેલા આ પ્રકરણમાં થોડા સમય પૂર્વે અહીંના ધારાસભ્ય દ્વારા ખંભાળિયા તાલુકામાં ફરજ બજાવતા જયેશભાઈ સોનગરા નામના તલાટી મંત્રી સામે ભ્રષ્ટાચાર સહિતના કેટલાક આક્ષેપો વિધાનસભામાં કરવામાં આવ્યા હતા. જેના ફળ સ્વરૂપે જયેશભાઈની બદલી કલ્યાણપુર તાલુકામાં કરવામાં આવી હતી. આના અનુસંધાને અહીંના સતવારા સમાજ દ્વારા વિવિધ મુદ્દાઓ રજૂ કરી અને સંગઠિત થયા હતા. બાદમાં રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવી તેમના દ્વારા ધારાસભ્યના કથનને ખોટું ગણાવવામાં આવ્યું હતું. આટલું જ નહીં, જિલ્લાના મહત્વના હોદ્દા ઉપર રહેલા સતવારા જ્ઞાતિના 13 હોદ્દેદારોએ તા. 21 માર્ચના રોજ તેમના હોદ્દા પરથી સામુહિક રાજીનામા આપવાની જાહેરાત પણ કરી દીધી હતી.
આ બાબતે ગંભીર સ્વરૂપ લેતા ભાજપના આગેવાનો તથા હોદ્દેદારો દ્વારા સમજાવટભર્યા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ રાજીનામા આપવા આગેવાનો મક્કમ રહ્યા હતા. આ મુદ્દે જિલ્લા પ્રભારી, સાંસદ તેમજ પૂર્વ ધારાસભ્ય વિગેરે દ્વારા ઉઠાવવામાં આવેલી સમાધાનકારી જહેમત વચ્ચે જિલ્લા પંચાયત કચેરી દ્વારા તલાટી મંત્રી જયેશભાઈ સોનગરાને કલ્યાણપુરથી પુનઃ ખંભાળિયા ખાતે ટ્રાન્સફર આપવામાં આવતા સતવારા સમાજ દ્વારા આ નિર્ણયને આવકારી અને તેમના રાજીનામા આપવાના નિર્ણયને રદ કર્યો છે. આમ, હાલ પૂરતા આ વિવાદનો શાંતિપૂર્ણ રીતે અંત આવ્યો છે અને ઘીના ઠામમાં ઘી પડી ગયું છે.
- Advertisement -