સરકાર દ્વારા પ્રજાલક્ષી કામગીરી ઝડપી કરવાના આશય સાથે સમયાંતરે જુદા-જુદા વિસ્તારોમાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં ખંભાળિયા પંથકમાં માટે ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર માટે તાલુકા અને નગરપાલિકા કક્ષાએ આઠમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ અંતર્ગત ખંભાળિયા નગરપાલિકા ગાર્ડનમાં આવેલા યોગ કેન્દ્ર ખાતે શનિવારે સેવાસેતુનો આ કાર્યક્રમ યોજાયો હતો. આ સેવાસેતુ કાર્યક્રમમાં તેર જેટલા સરકારી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જુદા જુદા વિભાગોને લગત નગરપાલિકાના તમામ સાત વોર્ડ રહેવાસીઓની કુલ 383 અરજીઓ મળી હતી. આ તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. સરકારની સુચના મુજબ ભીમ એપ, ઓન લાઈન યુ.પી.આઈ. ની વીડિયો ક્લિપ દ્વારા શહેરીજનોને ઓનલાઈન ટ્રાન્ઝેકશન બાબતે સમજણ આપવામાં આવી હતી.
નગરપાલિકાના આશરે 60 જેટલા સફાઈ કામદારો તથા મુલી-મજૂરોને સંકલિત પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને ઉદ્યોગ સાહસિકતા પ્રોત્સાહન કાર્યક્રમ અંતર્ગત નયારા એનર્જી, યુ.એન.ડી.પી., ફિનિશ સોસાયટી અને ખંભાળિયા નગરપાલિકા સાથે મળીને આવક અંગેના દાખલાઓ કઢાવવા બાબતે કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર સાથે નગરપાલિકાના ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય, શાસક પક્ષના નેતા દિલીપભાઈ ઘઘડા, નગરપાલિકાના સદસ્ય હિતેશભાઈ ગોકાણી, રેખાબેન ખેતીયા, ઈમ્તિયાઝખાન પઠાણ, હરેશ ભટ્ટ, વિગેરે સાથે રહ્યા હતા.