Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયા: ટ્રકમાંથી કોલસો કાઢી લઇ છેતરપિંડી

ખંભાળિયા: ટ્રકમાંથી કોલસો કાઢી લઇ છેતરપિંડી

ત્રણ શખ્સો સામે નોંધવામાં આવી ફરિયાદ

- Advertisement -

ખંભાળિયા નજીકની ખાનગી કંપનીમાંથી કોલસો ભરીને નીકળેલા ટ્રકમાંથી અડધોઅડધ કોલસો કાઢી લઇ અને અન્ય પદાર્થની ભેળસેળ કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવા સબબ એક અજાણ્યા સહિત ત્રણ શખ્સો સામે અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા- જામનગર માર્ગ પર આવેલી નયારા કંપનીના કોલસા વિભાગમાંથી ગત એપ્રિલ માસમાં એક આસામીની માલિકીના ટ્રકમાં કોલસો ભરીને રવાના કરવામાં આવ્યો હતો. આ કોલસો ભરેલો ટ્રક નિયત સ્થળે પહોંચતા આ કોલસાના જથ્થામાં ભેળસેળ થઈ હોવાનું ખુલવા પામ્યું હતું.

આથી જામનગર તાલુકાના સિક્કા ખાતે રહેતા વિમલભાઈ દલસુખભાઈ ભાલારા નામના 35 વર્ષના યુવાને આ પ્રકરણમાં નાની ખાવડી ખાતે રહેતા જયરાજસિંહ ઈન્દ્રસિંહ ઝાલા, રાજકોટ ખાતે રહેતા સાગર ગોસ્વામી તથા એક અજાણ્યા શખ્સ સામે અહીંના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

વિમલભાઈ દ્વારા પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ આરોપીઓએ પૂર્વયોજિત કાવતરું ઘડી, બંને ટ્રકોના અડધા જેટલા કોલસાના જથ્થાને કાઢી લઈ, તેમાં માટી જેવો મિક્સિંગ કોલસો ભેળવી દીધો હતો. આથી ઉપરોક્ત આસામીને રૂા.7,51,567 ની કિંમતના કોલસાના જથ્થાની નુકશાની તેમજ સામેની કંપની દ્વારા આ અંગેની પેનલ્ટી સહિત રૂપિયા બાર લાખની નુકશાની થવા પામી હતી. આમ, કુલ ત્રણ શખ્સો દ્વારા રૂ. બાર લાખની છેતરપીંડી અને વિશ્વાસઘાત સબબ અહીંના પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 407, 420 તથા 120 (બી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ પ્રકરણની તપાસ પીએસઆઈ એસ.કે. બારડ ચલાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular