સંત શિરોમણી પુજ્ય જલારામ બાપાની 140મી પુણ્યતિથિની ખંભાળિયામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેરના રઘુવંશીજ્ઞાતિના આગેવાનો- કાર્યકરો દ્વારા સમૂહ પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
પુ. જલારામ બાપાની પુણ્યતિથી નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાળિયાની જાણીતી રઘુવંશી સેવા સંસ્થા લોહાણા મિત્ર મંડળ દ્વારા અત્રે વી.ડી.બરછા નવી લોહાણા મહાજનવાડી ખાતે રઘુવંશી જ્ઞાતિના સમૂહ પ્રસાદ વિતરણ (નાત)નું વિશિષ્ટ અને નવતર આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગત સાંજે અત્રે બેઠક રોડ પર નવી લોહાણા મહાજન વાડી ખાતે સૌ પ્રથમ બે મિનિટનું મૌન પાડી, પુજ્ય જલારામ બાપાને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ લોહાણા મિત્ર મંડળ સાથે રઘુવંશી જ્ઞાતિના આગેવાનો-કાર્યકરોની વિશાળ ટીમ દ્વારા સુવ્યવસ્થિત અને સંપૂર્ણ રીતે જ્ઞાતિજનો માટે જલારામ બાપાના કઢી, ખીચડી, શાક, બુંદી, ગાંઠિયા, સહીતના પ્રસાદીના પાર્સલો પેક કરી અને જ્ઞાતિજનોને અર્પણ કરવામાં આવ્યા હતા. આશરે સાત હજાર જેટલા નગરજનોએ આ પ્રસાદીનો લાભ લીધો હતો.
આ સમગ્ર આયોજન માટે લોહાણા મહાજનના વડપણ હેઠળ લોહાણા મિત્ર મંડળ પરિવાર તથા યુવા કાર્યકરોની જહેમત ભારે આવકારદાયક બની રહી હતી. શહેરના જ્ઞાતિજનોએ પાર્સલ સ્વરૂપે જ્ઞાતિ સમૂહભોજન (નાત)ની પ્રસાદીનો લાભ લીધો હતો.