કલકત્તામાં થોડા સમય પૂર્વે એક પોસ્ટ ગ્રેજ્યુએટ રેસીડેન્ટ ડોક્ટરની શંકાસ્પદ ગેંગરેપ તેમજ હત્યા થવાનો જધન્ય બનાવ પ્રકાશમાં આવ્યો છે. હૃદયદ્રાવક એવા આ બનાવના ખંભાળિયા સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા અને ભારતભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
આને અનુલક્ષીને ગઈકાલે મંગળવારે રાત્રે ખંભાળિયાના ડોક્ટર એસોસિએશન તેમજ નર્સિંગ સ્ટાફ અને બહેનો દ્વારા ખંભાળિયામાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયા મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર નિરવ રાયમગીયાના વડપણ હેઠળ અહીંના જોધપુર ગેઈટથી નગર ગેઈટ સુધી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. આ કેન્ડલ માર્ચમાં અહીંના સિનિયર ડોક્ટરો ડો. ઓ.પી. શાંખલા, ડો. હમીર કાંબરીયા, ડોક્ટર સાગર ભૂત, ડો. એચ.એન. પડિયા, ડો. આર.એન. વારોતરીયા વિગેરે સાથે લાયન્સ ક્લબ સહિતની સંસ્થાઓના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. અને બેનરો તેમજ સૂત્રોચ્ચાર મારફતે આરોપીઓ સામે કડક હાથે કાર્યવાહી કરી, દાખલારૂપ સજા અપાવવા માટેની માંગ કરવામાં આવી હતી.