કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝેરીલા સાપ કહેતા ભારે વિવાદ થયો છે.કર્ણાટકના કલબુર્ગીમાં ગુરુવારે ચૂંટણી જાહેર સભાને સંબોધન કરતા ખડગેએ કહ્યું હતું કે પીએમ મોદી ઝેરીલા સાપ જેવા છે. તમને કદાચ થાય કે આ ઝેર છે કે નહીં, પરંતુ જો તમે ચાખશો તો તમારું મૃત્યુ થશે. આ વિવાદાસ્પદ નિવેદનને ભાજપે વખોડ્યું છે. આગામી દિવસોમાં કર્ણાટકની ચૂંટણીમાં આ નિવેદન વધુ વિવાદ ઊભા કરે અને મુદ્દો બને તેવી શક્યતા છે. ખડગેએ વિવાદ વકરતા કહ્યું હતું કે તેમણે પીએમ માટે નહીં પણ ભાજપની વિચારધારા માટે ઝેરી સાપ શબ્દપ્રયોગ કર્યો હતો.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ખડગેએ કલબુર્ગીમાં કોંગ્રેસની જાહેરસભાને સંબોધન કરતા ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી ‘ઝેરી સાપ’ સાથે કહ્યું હતું. તેમણે કહ્યું કે ‘તમે સારી રીતે સમજી લો…મોદી ઝેરી સાપ જેવા છે. તે ઝેર છે કે નહીં તેના પારખા ન કરશો. જો તમે પારખા કરશો તો તમે મૃત્યુ જ પામશો. તમને કદાચ લાગશે કે તે ઝેર નથી કારણ કે મોદી જેવા સારા માણસે તે આપ્યું છે. પરંતુ તમે જેવા તેનો સ્વાદ લેશો કે તરત જ તમે જમીન પર ઢળી પડશો અને તમારૂં મૃત્યુ થશે.’ જોકે આ અંગે ભાજપે ત્વરીત ઉગ્ર ટીકા કરતા ખડગેએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ‘પીએમ મોદી માટે તે કહ્યું ન હતું. મારું કહેવાનું એવું હતું કે ભાજપની વિચારધારા સાપ જેવી છે. મેં પીએમ મોદી માટે વ્યક્તિગત રીતે આમ કહ્યું નથી.’ જોકે ભાજપે ખડગેના નિવેદનની ઉગ્ર ટીકા કરી છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું હતું કે ખડગેનાં મનમાં જ ઝેર છે. તેઓ પીએમ મોદી અને ભાજપ પ્રત્યે પૂર્વાગ્રહથી પીડિત છે.
હતાશાને કારણે તેઓ આવા નિવેદનો કરી રહ્યા છે કારણ કે પીએમ સામે તેઓ રાજકીય રીતે લડવામાં અસમર્થ છે. ગુજરાત વિધાનસભાની ડિસેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં પ્રચાર દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીની સરખામણી રાવણ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘મોદી દરેક ચૂંટણીમાં દેખાય છે, શું રાવણની જેમ તેમના 100 માથા છે?’ તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે કોર્પોરેશનની ચૂંટણીથી લઈને સંસદની ચૂંટણી સુધી દરેક ચૂંટણીમાં મોદીનો જ ચહેરો આગળ ધરવામાં આવે છે તે સંદર્ભમાં તેમણે આમ કહ્યું હતું. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે આ શબ્દ ભલે ખડગેજીના હોય, પરંતુ આ આસ્થા, આ ઝેર ગાંધી ખાનદાનનું છે, જે ઓકવામાં આવી રહ્યું છ. આ પ્રકારનું નિવેદન કરીને ખડગેએ પુરવાર કરી દીધું છે કે કર્ણાટકમાં કોંગ્રેસનો પરાજય નિશ્ર્ચિત છે. ભાજપ આઈટી સેલના વડા અમિત માલવીયએ ખડગેના નિવેદનનો વીડિયો મૂકીને ટ્વીટ કર્યું કે આવા નિવેદનથી કોંગ્રેસની હતાશા દેખાઈ રહી છે. કોંગ્રેસના પ્રમુખે પીએ મોદીને ઝેરીલા સાપ કહ્યા છે. કોંગ્રેસ સતત હતાશાની ખાઈમાં ગરકાવ થઈ રહી છે. કોંગ્રેસ કર્ણાટકમાં ચૂંટણી હારી રહી છે. મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ખડગેને કોંગ્રેસે પક્ષ પ્રમુખ તો બનાવ્યા, પરંતુ તેમને કોઈ પ્રમુખ માનતું નથી. એટલે રઘવાયા થઈને તેમણે આવું નિવેદન કર્યું છે.