જામનગર શહેરની મધ્યમાં આવેલા ટાઉનહોલમાં શનિવારે સાંજના સમયે સમસ્ત ખવાસ જ્ઞાતિ જામનગર દ્વારા સમાજના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સ્નેહમિલનના કાર્યક્રમની શરૂઆતમાં જ પ્રમુખ વિનોદભાઈ દ્વારા કાર્યક્રમને શરૂ કરાવી તેમની સ્પીચ પૂર્ણ કરી ખુરશી પર બેઠા હતાં અને ત્યારબાદ પાંચ જ મિનિટમાં એકાએક ચક્કર આવતા બાજુમાં બેઠેલા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના ખોળામાં ઢળી પડતા જી. જી. હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેમનું નિધન થયાનું જાહેર કરાતા સમસ્ત ખવાસ જ્ઞાતિમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
છેલ્લાં બે વર્ષથી જામનગર સહિત દેશભરમાં હૃદયરોગના હુમલાથી મોતની સંખ્યા ખૂબ જ ચિંતાજનક રીતે વધતી જાય છે. તેમાં પણ ખાસ કરીને નાના બાળકોથી લઇ 50 વર્ષ સુધીના યુવાનોને ઘાતક હૃદયરોગના હુમલાઓના કારણે ભોગ લેવાય છે. કોરોના કાળ પછી હૃદયરોગના હુમલાની ઘટનાઓ સતત વધતી જાય છે. જામનગર શહેર અને જિલ્લામાં હૃદયરોગના હુમલાની ઘટનાઓ વધી ગઈ છે. જેમાં નાના બાળકોથી લઇ 50 વર્ષ સુધીના યુવાનોને હૃદયરોગ ભરખી રહ્યો છે. ત્યારે જામનગર શહેરના નાગનાથ ગેઈટ પાસે કરશન પુંજાણી ચોક, ખત્રી ફળીમાં રહેતાં સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળ જામનગરના પ્રમુખ વિનોદભાઈ બચુભાઇ બાલાના અધ્યક્ષસ્થાને તા.27 ના શનિવારે સાંજે ટાઉનહોલમાં સમાજના સ્નેહમિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સ્નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા તથા સમાજના આગેવાનો અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.
જોકે, આ સ્નેહમિલન કાર્યક્રમ શરૂ થયા બાદ પરેશભાઈ ચાવડા દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પ્રમુખ વિનોદભાઈ દ્વારા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો અને તેમની સ્પીચ પૂર્ણ થયા બાદ તેઓ તેમની ખુરશીમાં બેઠા હતાં ત્યારે જ એકાએક પ્રમુખ વિનોદભાઈને ચકકર આવતા બાજુમાં બેઠેલા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના ખોળામાં ઢળી પડયા હતાં. સ્નેહમિલન કાર્યક્રમમાં પ્રમુખ એકાએક ઢળી પડતા સન્નાટો છવાઈ ગયો હતો. અને તાત્કાલિક રીક્ષામાં પ્રમુખને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. પ્રમુખ વિનોદભાઈ બાલાનું નિધન થતા સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અંગે મૃતકના પુત્ર કેતનભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ.એ. મકવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.