જામનગર શહેરની ઇંદિરા કોલોનીમાં રહેતા અને પ્રોવિઝન સ્ટોર ચલાવતાં યુવકે ઉધાર આપેલા માલના રૂપિયાની ઉઘરાણી કરતાં ત્રણ શખ્સોએ ગાળો કાઢી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. દરમિયાન પુત્રને છોડાવવા વચ્ચે પડેલી માતા ઉપર પણ હુમલો કરી ઇજા પહોંચાડી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના ઇંદિરા કોલોની શેરી નં. 7માં રહેતા હંસાબેન મહેશભાઇ વઘેરા નામના મહિલાને કરિયાણાની દુકાન હતી. આ દુકાનેથી ઇંદિરા કોલોનીમાં જ રહેતો જતીન વાઘેલા નામનો શખ્સ ઉધારમાં સામાન ખરીદી કરી ગયો હતો. આ સામાનના બાકી રહેતા રૂપિયાની ઉઘરાણી મહિલાના પુત્ર દ્વારા કરવામાં આવતાં ગુરુવારે રાત્રીના સમયે જતીન વાઘેલા, બળીયો, સાહિલ નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી યુવકને ગાળો કાઢી લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. પુત્ર ઉપર હુમલો કરાતાં માતા હંસાબેન વચ્ચે છોડાવવા પડયા હતાં. જેથી તેમના ઉપર પણ ત્રણેય શખ્સોએ સિમેન્ટના પતરા વડે માર મારી ઇજા પહોંચાડી હતી. ઘવાયેલા માતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ એમ.વી. દવે તથા સ્ટાફે હંસાબેનના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.