જામનગરની જી.જી. હોસ્પિટલમાં અવાર-નવાર કૂતરાઓ અને અબોલ પશુઓ વોર્ડ સુધી પહોંચી જવાની ઘટનાઓ બની ગઇ છે. તેમાં તંત્ર અને સિક્યુરીટીની બેદરકારી મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે હાલમાં જ જી.જી. હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં એક કૂતરો માંસનો લોચો ખાતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વિડીયો સંદર્ભે હોસ્પિટલના અધિક્ષકે આખી વિગતો આપી અને જણાવ્યું હતું કે, જવાબદાર સિક્યુરીટી ગાર્ડ સામે પગલાં લેવામાં આવશે.
મળતી વિગત મુજબ સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં સિક્યુરીટીની બેદરકારીના કારણે અબોલ પશુઓ અને કૂતરાઓ વોર્ડ તથા ઓપરેશન થિયેટર સુધી લટાર મારી આવતાં હોય છે. આવી ઘટનાઓ તો અવાર-નવાર બનતી હોય છે. દરમિયાન હાલમાં જ જી.જી. હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં એક કૂતરો માંસનો લોચો ખાતો હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. સિક્યુરીટીની દ્રષ્ટિએ આ ઘટના બહુ જ શરમજનક છે અને આવી ઘટનાઓ તો જી.જી. હોસ્પિટલમાં અનેક વખત બનતી હોય છે. પરંતુ હાલની ઘટનામાં વાયરલ થયેલા વિડીયોમાં કૂતરો માંસ નહીં પણ બાયોવેસ્ટ ખાતો હોવાની હોસ્પિટલના અધિક્ષક કે, મિડીયા સમક્ષ જાણકારી આપી હતી. તેમજ રાત્રીના સમયે બનેલી ઘટનામાં જવાબદાર સિક્યુરીટી ગાર્ડ ઉપર પગલાં લેવાની અને દર્દીઓના સગા-વ્હાલાઓએ હોસ્પિટલમાં કૂતરાઓને બિસ્કિટ કે જમવાનું ન આપવા અધિક્ષક ડો. દિપક તિવારીએ અપીલ કરી હતી. ઉપરાંત વાયરલ થયેલો વિડીયો બે દિવસ પહેલાનો અને હોસ્પિટલના જુની બિલ્ડીંગમાં ઓપરેશન થિયેટર બહારનો હોવાનું જણાવ્યું હતું.