જામનગર સહિત હાલાર પંથકમાં આજરોજ હનુમાન જયંતિની ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. છોટી કાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં આવેલા વિશ્ર્વ વિખ્યાત બાલા હનુમાન મંદિર ખાતે વહેલી સવારથી જ ભકતોની ભારે ભીડ જામી હતી. બાલા હનુમાન સહિતના શહેરના અનેક હનુમાન મંદિરોમાં આરતી, ધ્વજારોહણ અન્નકુટ દર્શન, બટુક ભોજન સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા.
જામનગર શહેરમાં આજરોજ હનુમાન જયંતિની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં જયાં 60 વર્ષથી અખંડ રામધૂન ચાલે છે તેવા સુપ્રસિધ્ધ બાલા હનુમાન સંકિર્તન મંદિર ખાતે આજે હનુમાન જયંતી નિમિતે વહેલી સવારથી જ હનુમાન ભકતોની દર્શન માટે લાંબી કતારો લાગી હતી. શહેરમાં વિવિધ વિસ્તારમાં આવેલા નાના મોટા 150 થી વધુ હનુમાન મંદિરો, ડેરીઓમાં વિવિધ વિસ્તારના લતાવાસીઓ તેમજ હનુમાન ભકતો દ્વારા વિવિધ ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતા. શહેરના ચૈતન્ય હનુમાન મંદિર, દાંડિયા હનુમાન મંદિર, ચોબરીયા હનુમાન મંદિર, કષ્ટભંજન હનુમાન મંદિર સહિતના વિવિધ હનુમાન મંદિરો ખાતે હનુમાન જયંતિની ઉજવણીના આયોજનો થયા હતા. જેમાં નૂતન ધ્વજારોહણ, બટુક ભોજન, અન્નકૂટ દર્શન, યજ્ઞો, આરતી સહિતના અનેકવિક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.