ખંભાળિયામાં દાયકાઓથી સોની કામના વ્યવસાય સાથે સંકળાયેલા જાણીતા વેપારી નીતિનભાઈ ગુસાણીએ તાજેતરમાં જલદ એસિડ ગટગટાવી લેતાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ કરૂણ બનાવની જાણવા મળતી વિગત મુજબ, ખંભાળિયાના કલ્યાણ બાગ સોસાયટી વિસ્તારમાં રહેતા અને સોની કામની દુકાન ધરાવતા જાણીતા સોની વેપારી નીતિનભાઈ વૃજલાલ ગુસાણી (ઉ.વ. 58) એ તેમના સોના-ચાંદીના વ્યવસાયમાં લીધેલા સોનાના ઓર્ડર દરમિયાન સોનાની ભાવમાં તોતિંગ વધારો આવી જતા તેઓ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ આર્થિક ખેંચ અનુભવી રહ્યા હતા.
આ પરિસ્થિતિમાં ચિંતાગ્રસ્ત હાલતમાં મુકાઈ ગયેલા અને આર્થિક સંકળામણમાં આવી ગયેલા નીતિનભાઈ ગુસાણીએ તાજેતરમાં પોતાના હાથે જલદ એસિડ ગટગટાવી લીધી હતું. જેના કારણે તેમને ગંભીર હાલતમાં અહીંથી જામનગર અને ત્યાર બાદ રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગ મૃતકના પુત્ર કરણ નીતિનભાઈ ગુસાણીએ અહીંની પોલીસને જાણ કરી છે. જાણીતા વેપારીના આપઘાતના આ બનાવે મૃતકના પરિવારજનો સાથે સોની સમાજમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.