લાલપુર તાલુકાના પીપરટોડા ગામની સીમમાં ખેતીની જમીનના પાણીની નિકાસ માટે ખાડો ખોદતા શખ્સને સમજાવવા જતાં વૃધ્ધ ઉપર શખ્સે ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હુમલો કર્યો હતો.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં મેહુલનગર વિસ્તારમાં રહેતાં અને ખેતી કરતા ચમનભાઈ માયાભાઈ ચોવટીયા (ઉ.વ.73) નામના વૃધ્ધ લાલપુર તાલુકાના પીપરટોડા ગામની સીમમાં આવેલી તેના ખેતરમાં હતાં તે દરમિયાન જસા રઘુ સતવારા નામનો શખ્સ તેની ખેતીની જમીનના પાણીના નિકાસ કરવા માટે ખાડા ખોદતો હતો અને તે બાબતે વૃધ્ધ સમજાવવા જતાં શખ્સે ઉશ્કેરાઇને વૃધ્ધને ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી કોઇ હથિયારના ઉંધા ઘા મારી ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણ થતા એએસઆઈ જે.આર. જાડેજા તથા સ્ટાફે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.