કલ્યાણપુર પંથકમાં હાલ રહેતા અને એક પરપ્રાંતીય શ્રમિકને આપઘાત કરવાનો વિચાર આવતા તેણે વિશાળ થાંભલા ઉપર ચડી જઈ અને પડતું મૂકે તે પહેલા સ્થાનિક પોલીસે સમયસર પહોંચી અને સમજાવટ બાદ તેને આ થાંભલા પરથી નીચે ઉતારવામાં સફળતા મેળવી હતી.
- Advertisement -
આ પ્રકરણની વિગત મુજબ મધ્ય પ્રદેશ રાજ્યના વતની એવા હરિ મોહન નામના એક શ્રમિક યુવાન છેલ્લા કેટલાક સમયથી કલ્યાણપુર પંથકમાં રહી અને મજૂરી કામ કરતો હતો. આજરોજ આ યુવાન કલ્યાણપુરથી થોડે દૂર આવેલા નાવદ્રા ગામના દરિયાકાંઠા વિસ્તારમાં પહોંચી ગયો હતો અને અહીંના રહેલા એક ઊર્જાના ટાવર ઉપર ચડી જતા આ બાબત અંગે સ્થાનિક લોકો દ્વારા કલ્યાણપુર પોલીસને જાણ કરવામાં આવી હતી.
જેને અનુલક્ષીને કલ્યાણપુરના મહિલા પી.એસ.આઈ. યુ.બી. અખેડ તેમજ સ્ટાફના જવાનો આ સ્થળે દોડી ગયા હતા. સિવિલ ડ્રેસમાં ગયેલા પોલીસ સ્ટાફએ પ્રારંભમાં તો ટાવર ઉપર ચડેલા શખ્સને સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ તે ગુજરાતી ભાષા જાણતો ન હતો. પરંતુ પોલીસે હિંમત ન હારી અને બે પોલીસના જવાનો ટાવર ઉપર ચડ્યા હતા અને યેનકેન રીતે હરી મોહનને સમજાવી અને પોતાના ઘરે જવા માટે ભરોસો તેમજ સાંત્વના આપી આ યુવાનને ટાવર પરથી નીચે ઉતાર્યો હતો.
ત્યાર બાદ આ યુવાનને તેના પરિવારજનો – ભાઈઓ સાથે મધ્યપ્રદેશ જવા માટે રવાના કર્યો હતો. આમ, કલ્યાણપુર પોલીસે સતર્કતા તેમજ કુનેહપૂર્વક એક યુવાનનો જીવ બચાવી અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” તે સૂત્રને સાર્થક કરી બતાવ્યું હતું.