જામનગર તાલુકાના નાઘેડી ગામના પાટીયા પાસે ખંભાળિયા બાયપાસ ચોકડી નજીક બુધવારે રાત્રિના સમયે બાઈકસવાર યુવકને સામેથી આવતા વાહનની લાઈટથી અંજાઈ જતાં બાઈક પરનો કાબુ ગુમાવી દેતા સ્લીપ થતા અકસ્માતમાં પાછળ બેસેલા યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે બાઈકસવારને ઈજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના બેડેશ્ર્વર ઈદ મસ્જિદ રોડ પર રહેતાં આદિલ દાઉદભાઈ લંધા (ઉ.વ.19) નામનો યુવક તેના ભાઈ જહાંગીરના જીજે-10-ડીપી-7086 નંબરના બાઇક પર જતાં હતાં ત્યારે બાઇકચાલક સાહીલ જુસબ કુંગડા નામના બાઇકસવારે સામેથી આવતા વાહનની લાઈટથી અંજાઇ જતાં બાઈક પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે અકસ્માતમાં બાઈક પરથી સાહીલ તથા આદિલ બંને યુવાનો રોડ પર પડી ગયા હતાં. જેમાં આદિલ દાઉદ લંધા નામના યુવકને કમરના ભાગે તથા જમણા પગે ગંભીર ઈજા પહોંચી હતી તેમજ બાઈકચાલક સાહીલને પણ ઈજા પહોંચી હતી. ત્યારબાદ બંને ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન આદિલ લંધા નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના ભાઈ જહાંગીર દ્વારા જાણ કરાતા એએસઆઈ એમ.એલ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી બાઈકચાલક સાહીલ કુંગડા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.