જામનગર તાલુકાના આમરા ગામની સીમમાં વાડીએ મોટર રીપેરીંગ કરવા ગયેલા યુવાનને મારી પુત્રીને કેમ ફોન કરશ? તે કહી ત્રણ શખ્સોએ યુવાનને સિમેન્ટના ઇલેકટ્રીક થાંભલા સાથે બાંધી દઇ લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના આમરા ગામમાં રહેતાં વેપારી ગોરધનભાઈ કાનજીભાઈ મઘોડિયા (ઉ.વ.25) નામના યુવાનને હેમંત પાંચા કટેશિયા તેના ખેતરે મોટર રીપેરીંગ કરવા બોલાવ્યો હતો. તે દરમિયાન સોમવારે સવારના સમયે ગોરધનભાઈને મારી દિકરી પુનમને કેમ ફોન કરશ? તેમ કહી હેમંત કટેશીયા, અલ્પેશ હેમંત કટેશીયા, ભલા પાચા કટેશીયા નામના ત્રણ શખ્સોએ એક સંપ કરી ગોરધનને સિમેન્ટના ઇલેકટ્રીક થાંભલા સાથે બાંધી દીધો હતો. અને ત્યારબાદ લાકડાના ધોકા વડે શરીરે, પગમાં, વાંસામાં આડેધડ ઘા મારી ઈજાઓ પહોંચાડી હતી તેમજ ઢીકાપાટુનો માર મારી ગોરધનના મોબાઇલ ફોનમાંથી તેના કાકા રમેશભાઇને ફોન કરી પતાવી દેવાની ધમકી આપી હતી. થાંભલે બાંધી દઈ માર માર્યાના બનાવ અંગેની જાણ કરતા હેકો જે.જી.રાણા તથા સ્ટાફે ગોરધનભાઈના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.