જામનગર શહેરમાં પારસ સોસાયટીમાં રહેતાં અને હાપા માર્કેટીંગ યાર્ડમાં વેપાર કરતા યુવાન સાથે રાજકોટના ત્રણ વેપારીઓએ ખેતઉત્પાદનની જણસીના વેચાણ અને ખરીદીના સોદાઓ કરી રૂા. 11,18,28,463 ની છેતરપિંડીના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના પારસ સોસાયટી બંગલા નંબર બી – 67 માં રહેતાં હિરેનભાઈ વિજયભાઈ કોટેચા (ઉ.વ.39) નામના વેપારી હાપા માર્કેટીંગ યાર્ડ રોડ પર સેન્ટ્રલ વેરહાઉસની સામે આવેલી પેઢીમાં રાજકોટના હેમંત મોહન દાવડા, રવિ હેમંત દાવડા નામના વેપારી પિતા-પુત્રએ હિરેનભાઈ સાથે ખેત ઉત્પાદનની જણસોના વેચાણ અને ખરીદીના સોદા કર્યા હતાં. આ સોદાઓ દરમિયાન હિરેનભાઈને પિતા-પુત્ર પાસેથી આ સોદાઓ પેટેના રૂા. 11,18,28,463 લેવાના બાકી નિકળતા હોય જે ઉઘરાણી માટે હિરેન દ્વારા અવાર-નવાર પિતા-પુત્ર પાસે ઉઘરાણી કરવા છતાં બંનેએ નાણાં ચૂકવ્યા ન હતાં દરમિયાન પલક કિરીટ રૂપારેલ નામના વેપારીએ હિરેનને વોટસએપમાં ‘5,28,26,071’ ની રકમ આરટીજીએસ દ્વારા જમા કરાવેલ હોવાની ત્રણ પહોંચ અને બેંકની સ્ટેટમેન્ટ મોકલ્યું હતું. પરંતુ આ પાંચ કરોડની રકમ અને બેંક સ્ટેટમેન્ટ બોગસ હોવાનું જણાતા હિરેને ફરીથી ઉઘરાણી કરી હતી. પરંતુ પિતા-પુત્ર સહિતના ત્રણ શખ્સોએ પૈસા ચૂકવવામાં આનાકાની કરી ઠગાઈ આચરવાના ઈરાદે બોગસ ડોકયુમેન્ટ બનાવી હિરેનભાઈના એકાઉન્ટમાં નાણા મોકલ્યાની ખોટી પહોંચી મોકલી હતી.
જામનગરના વેપારી સાથે રાજકોટના પિતા-પુત્ર સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી ખેતી ઉત્પાદનની જણસોના સોદા કરી રૂા. 11,18,28,463 ની રકમ પચાવી પાડવા છેતરપિંડી આચર્યા હોવાનું જણાતા જામનગરના વેપારીએ આખરે કંટાળીને પંચ બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પ્રો. આઈપીએસ અજયકુમાર મીણા દ્વારા રાજકોટના ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી છેતરપિંડી અને ઠગાઈની તપાસ હાથ ધરી હતી.