ખંભાળિયા-દ્વારકા હાઈવે પર જુવાનપુર ગામના પાટીયા પાસે ટ્રકચાલક યુવાને પોતાનો ટ્રક ગફલતભરી રીતે ચલાવી માર્ગ પર ડીવાઈડરની સાઈડમાં રહેલાં પાણીના ટાંકા સાથે ટકરાતા ટ્રકચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ ખંભાળિયા – દ્વારકા હાઈવે પર કલ્યાણપુરથી આશરે 30 કિલોમીટર દૂર જુવાનપુર ગામના પાટીયા પાસે જીજે-10-ટીવાય-6377 નંબરના એક ટ્રકના ચાલક એવા યુપીના મૂળ રહીશ અને હાલ જામનગર ખાતે રહેતા રાજકુમાર અમરનાથ ગોળ નામના યુવાને પોતાનો ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી અને આ માર્ગ પર ડિવાઈડરની એક સાઇડમાં ઉભા રહેલા જી.આર. કંપનીના પાણીના ટાંકા નંબર જી.જે. 25 યુ. 4552 ને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે ગંભીર રીતે ઘવાયેલા રાજકુમાર ગોળનું સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે જામનગર તાલુકાના નાઘેડી ગામના રહીશ સામતભાઈ કરસનભાઈ કારાવદરાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે મૃતક ટ્રક ચાલક રાજકુમાર અમરનાથ ગોળ સામે ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.