જામનગર તાલુકાના ગોરધનપર ગામમાં રહેતી યુવતીએ મૈત્રી કરાર કર્યા બાદ રાજસ્થાન જતી રહેતા યુવતીના પતિ સહિતના ચાર શખ્સોએ યુવતીના માતા-પિતા ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ગોરધનપર ગામમાં આવેલા મારવાડી વાસમાં રહેતી મંજુબેન કાલુસીંગ ચૌહાણ નામની યુવતીએ ગોરધનપરમાં રહેતાં મહેશ કણઝારીયા સાથે મૈત્રી કરાર-લગ્ન કર્યા હતાં. ત્યારબાદ થોડા સમય પછી યુવતી રાજસ્થાન ચાલી ગઈ હતી. જેના કારણે યુવતીના પતિ મહેશ કણઝારીયા, નરશી કણઝારીયા અને બે અજાણ્યા સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી સોમવારે રાત્રિના સમયે યુવતીની માતા સુખીબેન અને પતિ કાલુસીંગ વીરદારસીંગ ચૌહાણ અને મહેન્દ્રસીંગના ઘર પાસે બેઠા હતાં તે દરમિયાન મહેશ સહિતના શખ્સોએ આવીને કાલુસીંગને તમારી દિકરી કયાં છે ? તેમ કહી ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી. તેથી સુખીબેને ગાળો દેવાની ના પાડતા ચારેય શખ્સોએ એકસંપ કરી લાકડાના ધોકા વડે કાલુસીંગ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. પતિને બચાવવા વચ્ચે પડેલા સુખીબેન ઉપર પણ શખ્સોએ હુમલો કરી ઈજા પહોંચાડી હતી.
દંપતી ઉપર તેના જમાઈ સહિતના ચાર શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલા સાસુ-સસરાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણ થતા હેકો સી.ડી. ગાંભવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ સુખીબેનના નિવેદનના આધારે તેણીના જ જમાઈ સહિતના ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.