જામનગર તાલુકાના સીકકા ગામમાં રહેતો પરમાર પરિવાર લગ્નનો ચાંદલો લઇને બોટાદ બોલેરો વાહનમાં જતા હતાં તે દરમિયાન વહેલીસવારના સમયે ફલ્લા નજીક ગોલાઈમાં ચાલકે કાબુ ગુમાવતા પલ્ટી ખાઈ જતાં વૃધ્ધનું મોત નિપજ્યું હતું. જયારે અન્ય 10 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર માટે જી. જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતો પરમાર પરિવાર સોમવારે વહેલીસવારના સમયે જીજે-11-ટીટી-6064 નંબરની બોલેરો પીકઅપ વાહનમાં બોટાદ લગ્નનો ચાંદલો લઇને જતા હતાં તે દરમિયાન ફલ્લા ગામ નજીક આાવેલી ગોલાઈ પાસે પહોંચ્યા ત્યારે બેફીકરાઇથી ચલાવી રહેલા ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બોલેરો રોડ પરથી પલ્ટી મારી ગઈ હતી જેના કારણે બોલેરોમાં સવાર પ્રેમજીભાઈ, નાથાભાઈ, મુળજીભાઈ, ભીખાભાઈ, નાનજીભાઈ અને બોલેરોના ચાલક બાબુભાઈ તથા દિનેશભાઈને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. તેમજ માલાભાઈ વાલાભાઈ પરમારને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગેની રવિ પરમાર દ્વારા જાણ કરાતા પીએસઆઈ એ.કે. પટેલ તથા સ્ટાફે બોલેરોચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.