જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામના પાટીયા પાસે જુની બોલાચાલીનો ખાર રાખી છ શખ્સો એ એકસંપ કરી યુવાન ઉપર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે આડેધડ માર માર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
મારામારીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રહેતાં હાર્દિક અમૃતભાઈ ચાન્દ્રા નામનો યુવાન શુક્રવારે સવારના સમયે જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામના પાટીયા પાસે આવેલી દુકાન બહાર હતો તે દરમિયાન અગાઉની બોલાચાલીનો ખાર રાખી અજય રામા મકવાણા, કિશન ભરત મકવાણા, ઉત્તમ કારુ તન્ના, અસ્લમ દોસાણી (રહે. અલિયા) અને બે અજાણ્યા સહિતના છ શખ્સોએ એકસંપ કરી બાઈક પર આવી હાર્દિક ઉપર લોખંડના પાઈપ, લાકડાના ધોકા અને પાવડાના હાથા વડે આડેધડ માર મારી ઈજા પહોંચાડી હતી તેમજ હાર્દિકના ભાઈઓને મુકશે નહીં તેવી ધમકી આપી હતી. હુમલો કરી હુમલાખોરો નાશી ગયા હતાં ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે હેકો એચ.જે. જાડેજા તથા સ્ટાફે છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.